મુંદ્રાના પત્રી સીમમાં વાહન પાર્ક કરવા જેવી બાબતે વૃદ્ધની હત્યા

મુંદરા તાલુકાના પત્રી ગામની સીમમાં વૃદ્ધની હત્યાની ઘટનાએ પંથકમાં ચકચાર મચાવી છે. પ્રાથમિક માહિતી મુજબ કુંદરોડી ગામના અબ્દુલ્લા હુસેન પઠાણ બકાલાની ફેરી કરવા માટે નીકળ્યા હતા ત્યારે પાંચ જેટલા શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો. હુમલામાં લોખંડના પાઇપ વડે ગંભીર ઇજાઓ પહોંચાડાતા તેમનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતકે અગાઉ ઘર પાસે વાહનો પાર્ક કરવા બાબતે ઠપકો આપ્યો હતો. આ બાબતની અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. આ બનાવ અંગે પ્રાગપર પોલીસ મથકે કુંદરોડી ગામના ઇમ્તિયાઝ કાસમ હાલેપોત્રા અને હરદીપસિંહ અજીતસિંહ સોઢા સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે મૃતકના પરિવારે હુમલામાં પાંચ જેટલા લોકો સામેલ હોવાનો આક્ષેપ કરી વધુ લોકો સંડોવાયેલા હોવાની શંકા વ્યક્ત કરી છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે પોલીસ અન્ય 3 ના નામ દાખલ કરતી નથી બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે તેમજ સમગ્ર ઘટનાના તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે.