યોગિની એકાદશી નિમિત્તે ‘જય શ્રી કૃષ્ણ ગ્રુપ’ દ્વારા અંજારમાં ભવ્ય પ્રભાતફેરી યોજાઈ.

ભારતીય સંસ્કૃતિના જતન તથા વૈદિક સનાતન ધર્મના પ્રચાર-પ્રસારના પવિત્ર હેતુથી ઐતિહાસિક અંજાર શહેરમાં “જય શ્રી કૃષ્ણ ગ્રુપ” દ્વારા પ્રત્યેક અગિયારસે નિયમિત પ્રભાતફેરી નું આયોજન કરવામાં આવે છે.
જેઠ વદ અગિયારસ તરીકે ઉજવાતી પવિત્ર યોગિની એકાદશી નિમિત્તે પણ ભવ્ય અને ભક્તિમય પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું.

વહેલી સવારે ભક્તિમય વાતાવરણ વચ્ચે ખમ્ભા પર કેસરી ખેશ હાથમાં સનાતનધર્મ ના સ્લોગન સાથે મોટી સંખ્યામાં વડીલો, માતાઓ-બહેનો, યુવાનો અને બાળમિત્રો ઉત્સાહભેર જોડાયા હતા. “જય જય શ્રી રામ”, “જય શ્રી કૃષ્ણ” તથા “હર હર મહાદેવ”ના જયઘોષ સાથે અને વસુદેવ વસુતમ દેવમ ના મંત્રોચ્ચાર ની સાથે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું . પ્રભાતફેરી શહેરના વિવિધ માર્ગો તેમજ ઐતિહાસિક મંદિરોમાંથી પસાર થતાં સમગ્ર શહેરમાં ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું.

પ્રભાતફેરી દરમિયાન શ્રી માધવરાયજી મંદિરે નંદકુમાર અષ્ટકમ, શ્રી નાગનાથ મહાદેવ મંદિરે વેદસાર શિવસ્તવ તેમજ શ્રી રામસખી મંદિરે હનુમાનજી આરાધના કરવામાં આવી હતી. વૈદિક સ્તોત્રોના ગાન અને ભક્તિમય આરાધનાથી સમગ્ર વાતાવરણ દિવ્ય બની ગયું હતું.

આ પ્રસંગે ગ્રુપના સભ્ય જીતેશભાઈ પીઠડીયાએ જણાવ્યું હતું કે “જય શ્રી કૃષ્ણ ગ્રુપ”નો મુખ્ય ઉદ્દેશ વૈદિક સનાતન ધર્મનો પ્રચાર, ભારતીય સંસ્કૃતિનું જતન, નિષ્કામ ભક્તિ, સામાજિક સમરસતા તથા જીવદયાની ભાવનાને સમાજમાં વધુ મજબૂત બનાવવાનો છે. તેમણે જણાવ્યું કેપ છેલ્લા છ મહિનામાં આવતી અગિયારસ ના રોજ ગ્રુપના સભ્યો ના સાથ અને સહકાર દ્વારા ફાળો એકત્રિત કરીને અબોલ પક્ષીઓ માટે 750 કિલો ચણ તથા ગૌમાતા માટે ₹35,000 નો ચારો અર્પણ કરવામાં આવ્યો છે.

પ્રભાતફેરી પૂર્ણ થયા બાદ શ્રી રામસખી મંદિર ખાતે પ્રભુ શ્રીરામને થાળ અર્પણ કરી મહાપ્રસાદ ધરાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઉપસ્થિત સૌને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પ્રભાતફેરી ના આ કાર્ય ને સફળ બનાવવા “જય શ્રી કૃષ્ણ ગ્રુપ”ના સભ્યો તથા શહેરના ધર્મપ્રેમી નાગરિકોએ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો.