મુન્દ્રા તાલુકાના વિરાણીયા ગામે વિજ્ઞાન મેળો યોજાયો

મુન્દ્રા,તા.૮: બાળકોમાં રહેલી ક્ષમતાને બહાર લાવી તેને પ્રોત્સાહન મળે તે માટે જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજ પ્રેરિત બી.આર.સી. ગુંદાલા દ્વારા વિરાણીયાની પ્રાથમિક શાળા ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રત્યે નાનપણથી જ બાળકોમાં જાગૃતિ વધે તે માટે ટપક સિંચાઈ, રિચાર્જેબલ કુવો, વરસાદી પાણીનો સંગ્રહ, કુદરતી ખાતર, રોમન અંક, જાદુઈ સરવાળા, ગણિત ગમ્મત તથા સ્વાસ્થ્ય અને સ્વચ્છતા સબંધિત અલગ અલગ વિષયોને આવરતી કુલ ૧૮ કૃતિઓ બાળ-વિજ્ઞાનીઓ દ્વારા રજુ કરવામાં આવી હતી.કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટય બાદ વિરાણીયા પ્રાથમિક શાળાના આચાર્ય આનંદભાઈ પટેલ દ્વારા પધારેલા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ. ત્યારબાદ ગુંદાલા ક્લસ્ટરની શાળાના બાળકો દ્વારા પ્રાર્થના, સ્વાગત ગીત, નાટક, મોકડ્રામા વગેરે જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. મુન્દ્રા તાલુકા બી.આર.સી. કો ઓર્ડીનેટર ડો.મોહનભાઇ પરમાર, ગુંદાલા ગ્રુપ આચાર્ય રવજીભાઈ રાઠોડ તથા વિરાણીયા સરપંચ શક્તિસિંહ જાડેજાએ પ્રાસંગીક પ્રવચનમાં સમાજમાંથી અંધશ્રદ્ધા દુર થાય અને વિજ્ઞાન પ્રત્યે અભિરૂચિ કેળવાય તથા ર૧મી સદીનું ભારત દુનિયામાં વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે અગ્રીમ હરોળમાં રહે એવી શુભ ભાવના વ્યકત કરતા બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.ભાગ લેનાર તમામ બાળકોને ઇનામ તથા પ્રમાણપત્ર આપવામાં આવેલ. સ્વરૂચી ભોજન માટે વિરાણીયાના શક્તિસિંહ જાડેજા તથા ટપુભા જાડેજા અને મંડપ માટે રતાડીયાના હીરાભાઈ રબારી સહયોગી રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શબનમબેન ખોજા અને નિકિતાબેન પટેલ દ્વારા કરવામાં આવેલ તથા આભારવિધિ ગુંદાલા સી.આર.સી. કો ઓર્ડીનેટર વિક્રમભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *