67 દેશોની હાજરીમાં અમેરિકાના વિદેશમંત્રીનું આતંકવાદ મુદ્દે એવું નિવેદન કે ભારત ભડક્યું

image-239

અમેરિકાના વાશિંગ્ટન ખાતે ડાબેરી ઉગ્રવાદ અને આતંકવાદ વિરુદ્ધ યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય મંત્રી સ્તરીય બેઠકમાં ભારતે આતંકવાદ પ્રત્યે પોતાનું કડક અને સ્પષ્ટ વલણ ફરી એકવાર વિશ્વ સમક્ષ દોહરાવ્યું છે. મળતી માહિતી મુજબ દુનિયાના 67 દેશની હાજરીવાળી આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ અમેરિકામાં ભારતના રાજદૂત વિનય ક્વાત્રાએ જણાવ્યું હતું. બેઠક દરમિયાન અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયોનાં એક નિવેદન સામે ભારતે આડકતરો વિરોધ નોંધાવ્યો છે. અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયોએ પોતાના સંબોધનમાં દાવો કરતાં જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે હવે જિહાદી કે કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદનો ખતરો ઘણો ઓછો થઈ ગયો છે અને હવે દુનિયાએ ડાબેરી આતંકવાદ વિરુદ્ધ એક થવાની જરૂર છે.  અમેરિકાનાં આ નિવેદન વચ્ચે ભારતીય રાજદૂત વિનય ક્વાત્રાએ વૈશ્વિક મંચ પર સ્પષ્ટ કરી દીધું કે આતંકવાદને કોઈ શ્રેણીમાં વહેંચી શકાય નહીં. ભારતે સ્પષ્ટ કરતાં જણાવ્યું કે, આતંકવાદના તમામ સ્વરૂપો સામે `ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવવી જ પડશે. ક્વાત્રાએ ભારતમાં નકસલવાદ સામે લડવાના દેશના લાંબા અનુભવો શેર કર્યા હતા, સાથે જ સરહદ પારના આતંકવાદ અને અલગતાવાદી એજન્ડાને પ્રોત્સાહન આપતા સંગઠનોનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો. અમેરિકાનું આ મૂલ્યાંકન ભારતની જમીની હકીકત સાથે જરાય મેળ ખાતું નથી. ભારત માટે જિહાદી આતંકવાદ આજે પણ એટલો જ ઘાતક અને મોટો ખતરો છે, જેટલો એક દાયકા પહેલા હતો, જેનો સૌથી તાજો અને મોટો પુરાવો 2025માં થયેલો પહેલગામ આતંકવાદી હુમલો છે. આ બેઠક માટે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેઓ પ્રવાસે હોવાને કારણે રાજદૂત વિનય ક્વાત્રાએ હાજરી આપી હતી.  અમેરિકાએ આ બેઠકનો સંપૂર્ણ એજન્ડા માત્ર ડાબેરી આતંકવાદ પર કેન્દ્રિત કર્યો હોવાને કારણે ભારત સહિત ઘણા દેશો અસંમત દેખાયા હતા. આ જ કારણ છે કે, 67 દેશ સામેલ હોવા છતાં ઘણા દેશોએ પોતાના વિદેશમંત્રીઓને મોકલવાને બદલે જુનિયર ડિપ્લોમેટ્સ મોકલવાનું જ યોગ્ય માન્યું હતું. અમેરિકી વિદેશમંત્રી રૂબિયોએ આતંકવાદના બદલાતા સ્વરૂપ પર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે, `આજના સમયમાં ડાબેરી આતંકવાદીઓ એક દેશમાંથી ફંડ મેળવે છે, બીજા દેશના સર્વર પર વાતચીત કરે છે, ત્રીજા દેશમાં ટ્રેઈનિંગ લે છે અને પાંચમા દેશમાં હુમલો કરે છે.’ તેમણે દેશો વચ્ચે પરસ્પર સહયોગ વધારવા પર ભાર મૂક્યો હતો.