પેપર લીકમાં કડક કાર્યવાહી થઈ છે : મોદી

નીટ પરીક્ષાઓમાં ગેરરીતીઓ મુદ્દે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનાં રાજીનામાંની માંગ સાથે સીજેપીની સંસદ કૂચના બીજા દિવસે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનડીએ સાંસદોની બેઠકમાં કહ્યું હતું કે, નીટ પેપર લીકમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે, જેથી યુવાનોનાં ભવિષ્ય સાથે કોઈ ચેડાં ન કરી શકે. સૂત્રો માંથી મળતી માહિતી મુજબ રાજ્યોએ પણ રાષ્ટ્રીય હિતમાં આ જોખમોનો સામનો કરવા માટે કેન્દ્ર સાથે હાથ મિલાવવા જોઈએ. મોટાભાગે મંગળવારે યોજાતી હોવાથી જેને `મંગલ મિલન’ નામ આપવામાં આવ્યું છે એવી એનડીએ સાંસદોની બેઠક બાદ પત્રકારોને માહિતી આપતાં સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી કિરન રિજ્જુએ કહ્યું હતું કે, વડાપ્રધાને સાંસદોને ભારપૂર્વક જણાવ્યું હતું કે, પેપર લીકના અહેવાલો સામે આવ્યા પછી સરકારે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને 13 લોકોની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. વડાપ્રધાને એમ પણ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓનાં ભવિષ્યને અસર ન થાય તે સુનિશ્ચિત કરવા માટે નીટ પુન: પરીક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી હતી. સફળતાપૂર્વક તે પરીક્ષા હાથ ધરવામાં આવી હતી અને પરિણામો વિલંબ કર્યા વિના જાહેર કરવામાં આવ્યાં હતાં એમ રિજ્જુએ એક કલાક ચાલેલી બેઠક બાદ જણાવ્યું હતું. વડાપ્રધાને એમ પણ કહ્યું હતું કે, ભવિષ્યમાં આવા પેપર લીકના બનાવો બને નહીં એ માટે કડક પગલાં લેવામાં આવ્યાં છે. પેપર લીક રેકેટમાં સામેલ લોકોની ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. વડાપ્રધાને શાસક ગઠબંધનના સાંસદોને પણ કહ્યું હતું કે, પેપર લીકમાં દોષિતોને દેશના ટોચના વકીલોનાં સમર્થનથી શક્ય તેટલી કડક સજા આપવી જોઈએ જેથી આવા ગંભીર ગુનામાં સંડોવાયેલા લોકો સામે ઉદાહરણરૂપ કાર્યવાહી થાય અને આવી ઘટનાઓ ફરી ન બને. વડાપ્રધાને એમ પણ કહ્યું હતું કે, ભવિષ્યમાં પેપર લીક ન થાય તે માટે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રએ પક્ષને ધ્યાનમાં લીધા વિના હાથ મિલાવવો જોઈએ. આ પક્ષીય રાજકારણનો મામલો નથી પરંતુ રાષ્ટ્રીય હિતનો મામલો છે. મોદીએ દોષિતોને સજા કરવાની અને સહયોગથી એક ફુલપ્રૂફ સિસ્ટમ સ્થાપિત કરવાની જરૂરિયાત પર પણ ભાર મુક્યો હતો એમ રિજિજુએ જણાવ્યું હતું.