વરસાદી વાતાવરણમાં હરિનામનો ગુંજારવ: અંજારમાં દેવશયની એકાદશીએ “જય શ્રી કૃષ્ણ ગ્રુપ”ની ભક્તિમય પ્રભાતફેરી યોજાઈ.

9 (25)

અંજાર, તા. 25 જુલાઈ: દેવશયની એકાદશીના પાવન અવસરે અંજારના જય શ્રી કૃષ્ણ ગ્રુપ દ્વારા વરસાદી માહોલ વચ્ચે પણ અડગ આસ્થા, ભક્તિ અને ઉમંગ સાથે ભવ્ય પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે મોટી સંખ્યામાં હરિભક્તો ઉત્સાહભેર જોડાયા હતા અને હરિનામ સંકીર્તન સાથે પ્રભાતફેરીનો પ્રારંભ થયો હતો.
પ્રભાતફેરી શહેરના વિવિધ ઐતિહાસિક અને પૌરાણિક મંદિરોમાં દર્શન કરતી આગળ વધી હતી. સમગ્ર માર્ગ દરમિયાન “હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે”, “જય શ્રી કૃષ્ણ”, “જય શ્રી રામ” તેમજ “હર હર મહાદેવ”ના ગુંજતા જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. વરસાદી વાતાવરણ હોવા છતાં ભક્તોના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નહોતો.
દેવશયની એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ થતો હોવાથી ભગવાન શ્રીહરિ વિષ્ણુની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. સાથે જ ભક્તોને ચાતુર્માસ દરમિયાન જપ, તપ, દાન, સત્સંગ, સેવા અને સદાચારનું પાલન કરી આધ્યાત્મિક જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જય શ્રી કૃષ્ણ ગ્રુપના જીતેશભાઈ પીઠડીયાએ જણાવ્યું હતું કે, “પ્રભાતફેરીનો મુખ્ય હેતુ ભારતીય સંસ્કૃતિનું જતન, સનાતન ધર્મનો પ્રચાર-પ્રસાર, નિષ્કામ ભક્તિ, સામાજિક સમરસતા અને જીવમાત્ર પ્રત્યે સેવાની ભાવના જાગૃત કરવાનો છે. યુવા પેઢી ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડાય તથા સમાજમાં સકારાત્મક સંસ્કારોનું સિંચન થાય તે માટે આવા કાર્યક્રમો અત્યંત જરૂરી છે.”
પ્રભાતફેરીમાં મહિલાઓ, યુવાનો, વડીલો તેમજ બાળકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે સમગ્ર વિશ્વમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સર્વજન કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
જય શ્રી કૃષ્ણ ગ્રુપ દ્વારા દર એકાદશીના પવિત્ર દિવસે નિયમિત રીતે યોજાતી પ્રભાતફેરી અંજારમાં ધાર્મિક જાગૃતિ, ભારતીય સંસ્કૃતિના સંવર્ધન અને સેવાભાવના પ્રસારનું પ્રેરણાદાયી કાર્ય બની રહી છે