પ્રધાનનું રાજીનામું; છાત્ર આંદોલન સંપન્ન

નીટ પેપર લીકથી દેશભરમાં છાત્રોની આત્મહત્યા, આક્રોશ, આંદોલનો, સડકથી સંસદ સુધી સંગ્રામ, અનશન, સીજેપીના છાત્ર દેખાવકારોના જંતરમંતર પર 36 દિવસથી ઉગ્ર આંદોલન બાદ આખરે શનિવારે દેશના શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું હતું અને પ્રહલાદ જોશીને નવા શિક્ષણમંત્રી જાહેર કરાયા છે. મળતી માહિતી મુજબ તેઓ ગ્રાહક બાબતોના મંત્રી છે. આ રાજીનામાં બાદ તરત પ્રતિક્રિયા આપતાં કોકરોચ જનતા પાર્ટીએ પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, કોકરોચની જીત થઇ છે. મોડેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનનું રાજીનામું સ્વીકારી લીધું હતું. પ્રધાનનાં રાજીનામાં બાદ સીજેપીના પ્રતિનિધિઓ અને કેન્દ્રીયમંત્રીઓ જે.પી. નડ્ડા તેમજ જિતેન્દ્રસિંહ વચ્ચે બાકીની માગણીઓ અંગે પણ બેઠક યોજાઈ હતી અને સરકારે દેખાવકારો સામેની તમામ એફઆઈઆર અને કાનૂની મામલા પાછા ખેંચી લેવા તેમજ પેપર લીક બાદ આપઘાત કરનારા છાત્રોના પરિજનોને નિયમ મુજબ મહત્તમ વળતર આપવાની માંગ સ્વીકારતાં સીજેપીએ આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. પ્રધાને પદ છોડયા બાદ સીજેપી સ્થાપક અભિજિત દીપકેએ જણાવ્યું હતું કે, આ સરકારમાં રાજીનામાં ન થાય તેવું લોકો કહેતા હતા, પરંતુ તમે ડરો નહીં, સરકારની સામે નમો નહીં, તો આપ કોઇનું પણ રાજીનામું લઇ શકો છો. વર્ષ 2014માં પહેલીવાર મોદી સરકાર બન્યા બાદ 12 વર્ષના કાર્યકાળમાં ધર્મેન્દ્ર પ્રધાન એવા પહેલા મંત્રી છે જેમને વિરોધનાં કારણે રાજીનામું આપવું પડયું છે.દરમ્યાન, 27 દિવસ સુધી અનશન આંદોલન છેડી ચૂકેલા સામાજિક કાર્યકર સોનમ વાંગચૂકે જણાવ્યું હતું કે, આ લોકતંત્રની જીત છે. શાંતિ, ધૈર્ય અને દૃઢતાની જીત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલી આપેલાં રાજીનામાંમાં ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, છેલ્લા 10 દિવસની ઘટનાઓથી મારું મન બેહદ દુ:ખી છે.પ્રધાને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આ મારા વ્યક્તિગત સન્માન કે પ્રતિષ્ઠાનો વિષય નથી, પરંતુ દેશના યુવાનોનાં ભવિષ્યનો સવાલ છે. હું નથી ઇચ્છતો કે, છાત્રોનું ભવિષ્ય કાનૂની વિવાદો અથવા રાજકીય ટકરાવોમાં અટવાઇ જાય કે, તેમનું ધ્યાન અભ્યાસ પરથી ભટકે. આ જ ભાવના સાથે મેં પદ છોડયું છે. મોદીને સોંપેલા બે પાનાંના 575 શબ્દ સાથેના પત્રમાં પ્રધાને નોંધ્યું હતું કે, હું છેલ્લા ચાર દાયકા કરતાં વધુ સમયથી છાત્ર, શિક્ષક, શિક્ષણ સુધાર માટે સમર્પિત રહ્યો છું. જંતરમંતરમાં જે સ્થિતિ બની તેનો લાભ રાષ્ટ્ર વિરોધી તાકાતો ન ઉઠાવે અને દેશની એકતા અખંડ રહે તેની કાળજી લઇને મેં રાજીનામું આપ્યું છે. ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, ત્રીજી માર્ચ, 2026ના નીટ-યુજી પરીક્ષામાં અનિયમિતતાની ફરિયાદ સામે આવતાં સરકારે તરત કાર્યવાહી કરી અને તપાસ સીબીઆઇને સોંપી, પુન:પરીક્ષા લઇને સફળતાથી પાર પાડી.