નાની બન્ની ઝોનના મુલક લાખારા પટમાં આકાશી મહેમાને દસ્તક આપી હાજરી પુરાવી!

વાહ રે વાહ! આજનો દિવસ નાની બન્ની માટે કોઈ સોનેરી દિવસથી કમ નથી.

લાખારા પટના સીમાડામાં આજે આકાશી મહેમાન એટલે કે મેઘરાજાએ એવી જોરદાર દસ્તક આપી છે કે આખા મુલકમાં ખુશીની લહેર દોડી ગઈ છે. બપોરના ટાણે કાળા વાદળો ઘેરાયા અને જોતજોતામાં તો ધરતી પર અમૃત વરસવા માંડ્યું.

આ વરસાદે લાખારાના સુકા ખેતરોને નવજીવન આપ્યું છે. વોકળાઓમાં મીઠા પાણીની હેલી ચડી છે, તળાવો પાલાર પાણીથી ઝુમવા લાગ્યા છે અને માલધારી ભાઈઓના ચહેરા પર જે ખુશી છે એની તો વાત જ ન થાય.

આજે લાખારા પટનો માલધારી ગર્વથી કહે છે, અમારો લાખારા મુલક મલીર હવે ધરાશે, અમારા ઢોર હવે ધરાશે. આ આકાશી મહેમાનની હાજરીએ નાની બન્નીના દરેક જીવને નવી આશા આપી છે.