ભુજ તાલુકાના સરાડા માં ભારે વરસાદ આવતા બન્ની મુલક મલીર થયો લીલોછમ!
ભુજ તાલુકાના છેવાડે આવેલ નાનકડું પણ દિલદાર ગામ સરાડા, આજે રંગે-ચંગે છે! આજે વહેલી સવારથી જ આભલામાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને બપોર થતા તો મેઘરાજાએ એવી હેતની હેલી વરસાવી કે આખી ધરતી તરબતર થઈ ગઈ.
આ વરસાદ ફક્ત સરાડા પૂરતો ન રહ્યો, આ વરસાદ તો બન્નીના માલધારીઓ માટે જીવતદાન બનીને આવ્યો છે. સરાડાના વોકળા અને નદીઓમાં પાલર પાણી વહેતું થયું છે, અને એ પાલર સીધું બન્ની મુલકમાં ઉતર્યું છે.
આજે બન્નીનો મલીર જુઓ તો હરિયાળી ચાદર ઓઢીને બેઠો હોય એવો લાગે છે. જ્યાં નજર નાખો ત્યાં લીલું જ લીલું! માલધારીઓના માઢો માં આજે દૂધની નદીઓ વહેશે, પશુઓ ધરાઈને ઘાસ ખાશે અને બન્નીની ધરતી ફરી એકવાર આબાદ થઈ ગઈ છે.
સરાડાનો આ વરસાદ, બન્ની માટે સુખ, સમૃદ્ધિ અને નવા જીવનની શરૂઆત લઈને આવ્યો છે.