હવે ઈ-20 પેટ્રોલના વિરોધમાં ચાર ઓગસ્ટે સંસદ ઘેરવાની તૈયારી

નીટ પેપર લીક બાદ હવે ઈ-20 ઈંધણની નીતિના વિરોધમાં આંદોલન છેડાશે. `ટીમ ભારત’ના સંસ્થાપક તહસીન પુનાવાલાએ નવાં આંદોલનનું એલાન જાહેર કર્યું હતું. તેમણે દાવોકરતાં જણાવ્યું કે, ઈ-20 ઈંધણનીતિ સૌથી ખરાબ રીતે લાગુ કરાયેલી નીતિઓમાંની એક છે.વિગતો મુજબ નીતિમાં સુધારો કરાય તો 80થી 90 રૂપિયે લિટર શુદ્ધ પેટ્રોલ મળી શકે. આ જ માગણી સાથે પુનાવાલાએ 31મી જુલાઈનાં `ગાડી કૂચ, ગાંધી કૂચ’ યોજવાની ઘોષણા કરી હતી. તહસીને લોકોને આ આંદોલનમાં જોડાવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે, આ નાગરિકોના અધિકાર અને પસંદનો સવાલ છે. `ગાડી કૂચ, ગાંધી કૂચ’ ઈન્ડિયા ગેટથી શરૂ થશે અને સંસદ માર્ગ પરથી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને હરદીપ પુરીના કાર્યાલય તેમજ આવાસ બહાર પહોંચશે. વર્તમાન વ્યવસ્થામાં લોકોને પોતાની જરૂરત મુજબ ઈંધણ પસંદ કરવાનો વિકલ્પ મળવો જોઈએ. નીતિના તમામ દસ્તાવેજ જાહેર થવા જોઈએ તેવું પુનાવાલાએ કહ્યું હતું. વધુમાં `ટીમ ભારત’ના સ્થાપકે જણાયું હતું કે, આ અભિયાન માત્ર ઈંધણની કિંમતનો મુદ્દો નથી, પરંતુ નીતિમાં પારદર્શકતા લાવવાની માંગ પણ છે.