ઇરાનને ટ્રમ્પની ફરીવાર ચીમકી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઇરાનને ચીમકી આપી હતી. ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમેરિકા પાસે હથિયાર ખતમ નથી થઇ રહ્યાં. અમારી પાસે દુનિયાનાં સૌથી વધુ હથિયાર છે, જરૂરતથીયે વધુ. મળતી માહિતી મુજબ ઇરાન સાથે લગાતાર ટકરાવથી અમેરિકાનો ઈન્ટરસેપ્ટર મિસાઇલ ભંડાર ઘટી રહ્યો છે, તેવા અહેવાલો વચ્ચે ટ્રમ્પે આવી સ્પષ્ટતા કરી હતી. ત્યારબાદ, અમેરિકી પ્રમુખે સોશિયલ મીડિયા પર એઆઇ તસવીરો મૂકી હતી, એક તસવીરમાં ઇરાનનાં સૌથી મોટાં તેલ નિકાસ મથક ખર્ગ ટાપુ પર હવાઇ હુમલો બતાવાયો છે. અન્ય તસવીરોમાં ઇરાની તેલ ટેન્કર પર અમેરિકી ઝંડો જોવા મળી રહ્યો છે. દરમ્યાન, ઇરાન યુદ્ધને આજે પાંચ મહિના પૂરા થઇ ગયા છે. ટ્રમ્પે 28 ફેબ્રુઆરીનાં ઇરાન પર પરમાણુ કાર્યક્રમ ખતમ કરવા અને ઇરાનની સરકારને સત્તા પરથી હટાવવાના બે મુખ્ય લક્ષ્ય સાથે હુમલા શરૂ કર્યા હતા. જો કે, પાંચ મહિના પછી વેનેઝુએલા જેમ ટ્રમ્પ ઇરાનમાં સફળતા મેળવી શક્યા નથી. પરમાણુ કાર્યક્રમ ખતમ નથી થઇ શક્યો કે સત્તા પરિવર્તન પણ નથી થઇ શકયું.