ફરી આંદોલન કરીશું: કોકરોચ જનતા પાર્ટીની સરકારને ચેતવણી! કહ્યું- દગો સાંખી નહીં લેવાય 

image

 ધર્મેન્દ્ર પ્રધાનનાં રાજીનામાં બાદ છાત્ર આંદોલન સમેટાઇ ચૂકયું છે, ત્યાં ફરી કોકરોચ જનતા પાર્ટીએ સોમવારે ચેતવણી આપી હતી કે, પ્રદર્શનકારી છાત્રો પર પોલીસ કાર્યવાહી નહીં રોકાય અને ધરપકડ કરાયેલા છાત્રોને રાહત નહીં અપાય, તો ફરી દેશવ્યાપી આંદોલન શરૂ કરાશે. સીજેપી પ્રવકતા સૌરવદાસે આરોપ મૂકતાં જણાવ્યું કે, 25 જુલાઇના કેન્દ્રીય મંત્રીઓ જે.પી. નડ્ડા અને જિતેન્દ્રસિંહ સાથે થયેલી સમજૂતી સરકાર જ તોડી રહી છે. બિહાર અને પશ્ચિમ બંગાળમાં સેંકડો છાત્રોની ધરપકડ કરીને ખોટા કેસમાં ફસાવાયા છે, તેવો આરોપ દાસે મૂકયો હતો. સીજેપીએ જણાવ્યું હતું કે, કોઇપણ પ્રદર્શનકારી પર કોઇ જાતની દંડાત્મક કાર્યવાહી નહીં કરાય, તેવાં સરકારે આપેલાં આશ્વાસનના આધારે અમે દેશવ્યાપી આંદોલન સ્થગિત કર્યું હતું. કોકરોચ પાર્ટીએ ચેતવણી આપી કે, સરકાર પોતાનાં વચનોથી પાછળ હટશે તો તે લાખો યુવાનો સાથે વિશ્વાસઘાત લેખાશે અને ફરી દેશભરમા આંદોલન છેડાશે. સીજેપી પ્રવકતા દાસે જણાવ્યું હતું કે, અમે એક `સાક્ષી’ પોર્ટલ લોન્ચ કર્યું છે, જેની મદદથી પીડિત છાત્રો પોતાની પરેશાની વ્યક્ત કરી શકે છે. સાથોસાથ વીડિયો પણ શેર કરી શકે છે. દિલ્હીમાં ખાસ યોજાયેલી પત્રકાર પરિષદમાં સીજેપી નેતા આશુતોષ રાંકા, પ્રવકતા સૌરવ દાસની સાથે વકીલ કપિલ સિબ્બલ પણ જોડાયા હતા. સિબ્બલે કહ્યું હતુ કે, મારી ભૂમિકા કોકરોચ જનતા પાર્ટીને કાનૂની મુદ્દાઓમાં મદદ કરવાની છે. સાથોસાથ કપિલ સિબ્બલે પ્રદર્શનકારી છાત્રોની કાનૂની સહાયતા મોટે એક કરોડ રૂપિયા આપવાની ઘોષણા કરી હતી. સીજેપી પ્રવકતા સૈરવ દાસે પીઠબળ પૂરું પાડવા બદલ સિબ્બલનો આભાર માનતાં અન્ય વકીલોને પણ છાત્રોની મદદ કરવાની અપીલ કરી હતી.