બેંક ઓફ બરોડાનો 1TB ડેટા લીક થયો?

image

Copy image

Copy image

દેશની મોટી સરકારી બેન્ક “બેન્ક ઓફ બરોડા”નાં સર્વરમાંથી મોટો ડેટા લીક થઈ ગયાનાં ચિંતાજનક અને ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. દાવો થઈ રહ્યો છે કે, બેન્કનો આશરે 1 ટીબી ડેટા ઈન્ટરનેટ અને ડાર્ક વેબ ઉપર ફૂટી ગયો છે. આ ખળભળાટ મચાવતો દાવો એક થ્રેટ એક્ટર દ્વારા કરવામાં આવ્યો છે અને તેનાં કહેવા પ્રમાણે તેણે બેન્કની સિસ્ટમમાં છીંડું પાડીને મોટો માહિતી કોષ ચોરી લીધો છે. જો કે બેન્ક તરફથી હજી સુધી આ દાવાની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં નથી આવી . અહેવાલો અનુસાર જે માહિતી ફૂટી ગઈ છે તેમાં ગ્રાહકોનાં નામ, મોબાઈલ નંબર, ઈ-મેઈલ એડ્રેસ, આધાર નંબર, ખાતા સંબંધિત જાણકારી, નેટ બેન્કિંગ રેકોર્ડ, લોનનાં દસ્તાવેજ, કોર્પોરેટ બેન્કિંગ ડેટા અને કેટલાંક આંતરિક દસ્તાવેજો પણ સામેલ છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, હેકરે સેમ્પલ ડેટા અને ડાઉનલોડ લિંક પણ શેર કરેલી છે. આ સમાચાર આવ્યા બાદ સોશિયલ મીડિયામાં બીઓબીનાં ગ્રાહકો ગંભીર ચિંતા વ્યક્ત કરવા માંડયા છે. જો આ દાવો સાચો પુરવાર થાય તો લોકોની અંગત જાણકારીઓનો ઉપયોગ સાઈબર અપરાધીઓ ફિશિંગ, ફર્જી કોલ, કેવાયસી અપડેટનાં નામે છેતરપિંડી અને ઓળખની ચોરી સહિતની ઘટનાઓને અંજામ આપવામાં કરી શકે છે. સૌથી મોટો સવાલ ગ્રાહકોનાં જમા નાણાં ઉપર જોખમનો છે. જો કે હાલનાં તબક્કે તેનાં ઉપર કોઈ ખતરો દેખાઈ રહ્યો નથી. ડેટા લીક થવાનો અર્થ એવો નથી કે ગ્રાહકનાં બેન્ક ખાતામાંથી નાણા આપમેળે ઉપડી જશે.