રસ્તો બનવાથી હાજીપીર આવતા લાખો શ્રદ્ધાળુઓ તથા સ્થાનિક મુસાફરોની યાત્રા વધુ સુગમ બનશે

9 (28)

 કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ હાજીપીરને જોડતા ૩૨ કિલોમીટર લાંબા દેશલપર-હાજીપીર માર્ગનું કામ હાલમાં યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. વાહનચાલકો તથા સ્થાનિક નાગરિકોને મુસાફરીમાં પડતી મુશ્કેલીઓને દૂર કરી, આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. ૯૫.૬૦ કરોડના ખર્ચે ૩૨ કિલોમીટર લાંબો અને ૭ મીટર પહોળો સિમેન્ટ કોંક્રિટ (C.C.) રોડ મંજૂર કરવામાં આવ્યો છે.

        નોંધનીય છે કે, આ પ્રોજેક્ટ માટે નિર્ધારિત ૧૫ માસની સમયમર્યાદામાંથી માત્ર ૫૨% સમયમાં જ વિભાગ દ્વારા ૭૫% જેટલી ભૌતિક કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે.

        માર્ગ અને મકાન વિભાગ દ્વારા સ્થળ પર સઘન મોનિટરિંગ રાખીને આ કામગીરી સમયમર્યાદા પહેલાં પૂર્ણ કરવા માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ નવો સી.સી. રોડ બનવાથી ચોમાસા દરમિયાન રસ્તો ધોવાઈ જવા કે ખરાબ થવાની સમસ્યા કાયમી ધોરણે દૂર થશે. તદુપરાંત, હાજીપીર ખાતે દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓ માટેની યાત્રા  સુગમ બની રહેશે.

        આ મજબૂત ‘ઓલ-વેધર’ રસ્તાથી આસપાસના વિસ્તારના સ્થાનિક ઉદ્યોગો, ઔદ્યોગિક એકમો અને નાના-મોટા વ્યવસાયોને કાચા માલ તેમજ તૈયાર ઉત્પાદનોના પરિવહનમાં વ્યાપક ફાયદો થશે. હેવી ટ્રાન્સપોર્ટેશન સરળ બનતાં લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો નોંધાશે. આ રોડની કામગીરી પૂર્ણ થવાથી સ્થાનિક સ્તરે રોજગારીની તકો વધશે અને ઉદ્યોગ-વેપારને પ્રોત્સાહન મળતાં સમગ્ર વિસ્તારનો આર્થિક વિકાસ વધુ ઝડપી બનશે.