3 વર્ષમાં વિદેશમાં 39,000થી વધુ ભારતીયોના મોત

image

દેશના વિદેશ મંત્રાલય દ્વારા સંસદમાં આપવામાં આવેલા આંકડા મુજબ , છેલ્લા ત્રણ વર્ષમાં ખાડી દેશોમાં 1,340 ભારતીય નાગરિકોએ આપઘાત કર્યો છે. મંત્રાલયના જણાવ્યા મુજબ, વર્ષ 2023થી 2025 વચ્ચે વિદેશોમાં આપઘાત કરનારા ભારતીય નાગરિકોની કુલ સંખ્યા 1,900થી વધુ રહી, જેમાં 70 ટકાથી વધુ કેસ ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ દેશોમાં નોંધાયા હતા. આ આંકડા વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે લોકસભામાં કોંગ્રેસ સાંસદ સતપાલ બ્રહ્મચારી અને જય પ્રકાશ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં શેર કર્યા હતા. વિદેશ મંત્રાલય દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલા આંકડામાં ભારતીય નાગરિકોના મોતના વિવિધ કારણો છે. જેમાં કુદરતી કારણો, કાર્યસ્થળ પર અકસ્માત, આપઘાત, અપરાધ અને અન્ય કારણોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આંકડા અનુસાર, કાર્યસ્થળ પર અકસ્માતોના કિસ્સામાં પણ GCC દેશોમાં મોતોની સંખ્યા વધુ રહી. જેમાં સાઉદી અરેબિયામાં 182 મોત અને UAEમાં 128 મોત નોંધાયા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ વર્ષમાં વિદેશોમાં 39,000થી વધુ ભારતીય નાગરિકોના વિવિધ કારણોસર મોત થયા છે.