અબડાસાના લાલા ગામમાં વાનર રાજાનો ગામ પર કબજો

image

અબડાસા તાલુકાના લાલા ગામમાં છેલ્લા બે ત્રણ દિવસથી એક વાનરના આતંકને કારણે ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. અચાનક ગામમાં આવી ચડેલા આ વાનર દ્વારા સ્થાનિક લોકો પર હિંસક હુમલાઓ કરવામાં આવી રહ્યા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. તેના કારણે બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સહિત ગામના લોકોમાં ડરનો માહોલ વ્યાપી ગયો છે. ગામલોકોના જણાવ્યા મુજબ, વાનર કોઈપણ સમયે રહેણાંક વિસ્તારોમાં પહોંચી જાય છે અને લોકોને જોઈ હુમલો કરવાનો પ્રયાસ કરે છે. આ પરિસ્થિતિને કારણે અનેક લોકો જરૂરી કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. બાળકોને પણ એકલા બહાર મોકલવામાં માતા-પિતા સંકોચ અનુભવી રહ્યા છે.
ગ્રામજનોએ વન વિભાગ અને સ્થાનિક તંત્રને જાણ કરી તત્કાલીમ કાર્યવાહી કરવા માંગ કરી છે. હવે ગ્રામજનોએ માંગ કરી છે કે, કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલાં વન વિભાગ તાત્કાલિક કાર્યવાહી કરીને વાનરને સુરક્ષિત રીતે પકડી ગામમાંથી દૂર ખસેડે.

ગામલોકોનું કહેવું છે કે જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો કોઈ વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવાની શક્યતા નકારી શકાય નહીં. હાલ સમગ્ર લાલા ગામમાં વાનરના આતંકને લઈને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે..