એસ.એસ.પી.એ. હાઈસ્કૂલ, નિરોણા ખાતે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ દિવસની ઉજવણી…

“નારી વંદન ઉત્સવ” અંતર્ગત ‘બેટી બચાવો, બેટી પઢાવો’ દિવસની ઉજવણીના ભાગરૂપે સારસ્વતમ સંચાલિત એસ.એસ.પી.એ. હાઈસ્કૂલ, નિરોણા ખાતે દીકરીઓમાં આત્મવિશ્વાસ, સુરક્ષા જાગૃતિ અને સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા કેળવવાના હેતુથી વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો પ્રારંભ સરસ્વતી વંદનાથી કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં નિરોણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પી.એચ.સી.)માંથી પધારેલ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (સી.એચ.ઓ.) દર્શનાબેન તથા મહિલા હેલ્થ વર્કર રમીલાબેન ગાગલનું શાળાની મહિલા શિક્ષિકાઓ દ્વારા પુસ્તક અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું.
આચાર્ય ડૉ. વી. એમ. ચૌધરીએ પ્રસંગોચિત ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ‘બેટી બચાવો, બેટી પઢાવો’નો સાચો અર્થ માત્ર દીકરીને જન્મ આપવો અને શિક્ષણ આપવો જ નથી, પરંતુ તેને સુરક્ષિત, આત્મવિશ્વાસુ, સ્વસ્થ અને માનસિક રીતે સશક્ત બનાવવાનો પણ છે.
ત્યારબાદ શાળાની મહિલા શિક્ષિકાઓ દ્વારા વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અલ્પાબેન ગોસ્વામીએ ‘ગુડ ટચ-બેડ ટચ’, ક્રિષ્નાબેન ગોરે ‘સંગત અને મૂલ્ય આધારિત જીવન’, અલ્પાબેન બુચિયાએ ‘પોક્સો એક્ટ’, ભૂમિબેન વોરાએ ‘માનસિક સ્વાસ્થ્ય અને તણાવનું સંતુલન’ તેમજ આશાબેન પટેલે ‘મોબાઈલ અને ઇન્ટરનેટનો સંતુલિત ઉપયોગ’ વિષય પર કિશોરીઓને ઉપયોગી માહિતી આપી હતી.
પી.એચ.સી.ના મહિલા હેલ્થ વર્કર રમીલાબેન ગાગલે માસિક સ્રાવની સ્વાભાવિક પ્રક્રિયા, મેન્સ્ટ્રુઅલ હાઈજીન, તે દરમિયાન આવતી સમસ્યાઓ, તેના યોગ્ય નિરાકરણ તેમજ રાખવાની જરૂરી સાવચેતીઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરીમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની જિજ્ઞાસાઓનું સમાધાન મેળવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીનીઓ માટે જ્ઞાનવર્ધક, પ્રેરણાદાયી અને અત્યંત ઉપયોગી રહ્યો હતો. કાર્યક્રમનું સંચાલન અલ્પાબેન બુચિયાએ કર્યું હતું, જ્યારે આભારવિધિ આશાબેન પટેલે વ્યક્ત કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.