નીટ-પીજી મુદ્દે સરકાર સચેત : બદલ્યા નિયમો

image

copy image

copy image

નીટ પેપર લીક અને છાત્રોનાં આંદોલન અને આક્રોશની પૃષ્ઠભૂમિમાં કેન્દ્ર સરકારે 30 ઓગસ્ટના યોજાનારી નીટ-પીજી 2026 પરીક્ષામાં વ્યાપક સુધારાઓની જાહેરાત કરી છે.મળતી માહિતી મુજબ આ સુધારાઓમાં ઉમેદવારોને તેમનાં નિવાસસ્થાનની નજીક પરીક્ષા કેન્દ્ર ફાળવવું, પરીક્ષા શહેરની અગાઉથી જાણકારી આપવી, એક જ શિફ્ટમાં પરીક્ષા યોજવી અને દરેક પ્રશ્ન માટે વધુ સમય આપવા સહિતનો સમાવેશ થાય છે. આ પગલાંનો હેતુ ઉમેદવારોનો તણાવ ઘટાડવાનો તેમજ આધારકાર્ડ વેરિફિકેશન, બાયોમેટ્રિક ચકાસણી, એક્રિપ્શન અને લાઈવ મોનિટારિંગ દ્વારા પરીક્ષાની સુરક્ષા વધુ મજબૂત બનાવવાનો છે.  નીટ-પીજીના ઉમેદવારોને તેમનાં ઘર નજીક પરીક્ષા કેન્દ્ર મળવાની વધુ શક્યતા રહેશે, પરીક્ષા શહેરની જાણ અગાઉથી કરાશે, દરેક પ્રશ્ન માટે વધુ સમય મળશે અને પરીક્ષામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા રહેશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા કરીને અધિકારીઓને સૂચના આપતા જણાવ્યું હતું કે, પરીક્ષા કોઈ પણ અવરોધ વિના, સુરક્ષિત અને આધુનિક ટેક્નોલોજીના આધારે યોજવામાં આવે.  આ વર્ષે નીટ-પીજી 2026 માટે કુલ 2,73,183 ઉમેદવારે નોંધણી કરાવી છે, જે ગયા વર્ષની સરખામણીએ 12.5 ટકા કરતાં વધુ વૃદ્ધિ દર્શાવે છે. સૌથી મોટો ફેરફાર પરીક્ષા કેન્દ્રની ફાળવણી પ્રક્રિયામાં કરવામાં આવ્યો છે. અગાઉ વહેલા તે પહેલાના ધોરણે પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવતું હતું, પરંતુ હવે આ પ્રથા બંધ કરવામાં આવી છે. નવી વ્યવસ્થા મુજબ ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર માટે ત્રણ પસંદગીનાં રાજ્યો પસંદ કરવા પડશે, જેમાં પોતાનાં રાજ્યને પ્રથમ પ્રાથમિકતા આપવી ફરજિયાત રહેશે આ ઉપરાંત પરીક્ષાના માળખામાં પણ ફેરફાર કરાયો છે. હવે અગાઉની સરખામણીએ સવાલોની સંખ્યા ઓછી રહેશે, પરંતુ પરીક્ષાનો કુલ સમય યથાવત રાખવામાં આવશે. પરિણામે ઉમેદવારોને દરેક પ્રશ્ન સમજવા અને યોગ્ય જવાબ આપવા માટે વધુ સમય મળશે. NBEનું માનવું છે કે આ નવા ફેરફારો પરીક્ષાને વધુ પારદર્શક, નિષ્પક્ષ અને વિદ્યાર્થી ફ્રેન્ડ્લી બનાવશે તેમજ ઉમેદવારોને તેમની તૈયારી મુજબ યોગ્ય પરિણામ મેળવવામાં મદદરૂપ થશે.