સામખિયાળીમાં 17.79 લાખનો માદક પદાર્થ કબજે કર્યો

image

ભચાઉના સામખિયાળી નજીક નવાગામ તરફ જતા માર્ગ પર બિહારથી માદક પદાર્થ વેચવા આવેલી એક મહિલા સહિત બે લોકોની એસ.ઓ.જી.એ ધરપકડ કરી હતી. આ બંને પાસેથી રૂા. 17,79,500નો 35.590 કિલો ગાંજો કબજે કરાયો હતો. સૂત્રો માંથી મળતી માહિતી મુજબ પૂર્વ કચ્છ એસ.ઓ.જી.ની ટીમ રાત્રિના અરસામાં ભચાઉ બાજુ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન એક મહિલા અને યુવાન અહીં આવી માદક પદાર્થનું છૂટકમાં વેચાણ કરતા હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. સામખિયાળીથી આંબલિયારા રોડ પર જઇ નવાગામ તરફ જતા રસ્તે આવતાં આર્ટિકા ગાડી નજરે પડી હતી. આ ગાડીના ચાલકની પૂછપરછ કરાતાં અંદર બેઠેલી મહિલા અને યુવાને ઉબેર ટેક્સી સર્વિસ મારફતે ઓનલાઇન ટેક્સી અમદાવાદથી સામખિયાળી સુધી બુકિંગ કરાવી હતી અને પોતે આ બંનેને કાલુપુર અમદાવાદથી બેસાડી અહીં લઇ આવ્યો હોવાનું તથા તેમની પાસે બે સુટકેશ અને એક થેલો હોવાનું કહ્યું હતું. આ બંનેને સાથે રાખી ભચાઉ લઇ જવાયા હતા જ્યાં એફ.એસ.એલ. અધિકારીને બોલાવી ખરાઇ કરાવતાં વનસ્પતિજન્ય લીલા રંગનો આ પદાર્થ ગાંજો હોવાનું બહાર આવ્યું હતું. આ સાતેય પેકેટનું વચન કરાવાતાં 35.590 કિલો ગાંજો હોવાનું સામે આવ્યું હતું. આ મહિલા અને યુવાન દાનાપુરથી અમદાવાદ ખાતે રેલવેથી તા. 1/8/2026ની ટિકિટ લઇ અહીં આવ્યા હતા અને અહીં છૂટકમાં ગ્રાહકોને આ નશો વેચવાના હતા. બંને પાસથી રૂા. 17,79,500નો ગાંજો જપ્ત કરી આ માદક પદાર્થ ક્યાંથી મેળવ્યો હતો તેની પૂછપરછ કરાતાં હાલ સુધીમાં બહાર આવ્યું નથી. જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. .