કચ્છમાં એનાલોગ પનીર અને ચીઝની તપાસમાં નમૂના શંકાસ્પદ જણાયા

ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા કચ્છના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ, રેસ્ટોરન્ટ તેમજ પનીરનું ઉત્પાદન અને વેચાણ કરતી 18 જેટલી પેઢી ઉપર દરોડા પાડી આકસ્મિક તપાસ હાથ ધરાઇ હતી. ઉત્પાદકો અને હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકોને સરકારના નવા હુકમનામાથી માહિતગાર કરાયા હતા. આ સાથે જ પ્રતિબંધિત એનાલોગ પનીર કે ચીઝનો ઉપયોગ કે સંગ્રહ ન કરવા અને નવા નિયમોનું પાલન કરવા અંગે કડક સૂચના આપી અને આખરી ચેતવણી અપાઈ હતી. માહિતી મુજબ અધિકારીઓએ વેપારીઓને સમજાવ્યું હતું કે, ડેરી ફેટના બદલે વેજિટેબલ ઓઇલ કે કેમિકલયુક્ત પદાર્થોમાંથી બનતા એનાલોગ પનીર અને ચીઝના સેવનથી માનવ શરીરને લાંબા ગાળે ગંભીર નુકસાન થાય છે. આ પ્રકારના ભેળસેળયુક્ત અને ભળતા નામવાળા ખાદ્યપદાર્થો આરોગ્ય માટે જોખમી હોઈ, તેનો પબ્લિક ડોમેનમાં વપરાશ તાત્કાલિક બંધ કરવો અનિવાર્ય છે. આ તપાસ ઝુંબેશ દરમિયાન તંત્ર દ્વારા પનીર અને અન્ય ખાદ્યપદાર્થોના એકંદરે 7 જેટલા શંકાસ્પદ નમૂના લઈ પૃથક્કરણ અર્થે સરકારી લેબોરેટરીમાં મોકલાયા હતા. રિપોર્ટ આવ્યા બાદ જો નમૂના સબ-સ્ટાન્ડર્ડ, ભેળસેળયુક્ત કે નિયમ વિરુદ્ધ જણાશે તો સંબંધિત પેઢી કે વેપારીઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ કાયદેસરની દંડાત્મક કાર્યવાહી કરાશે.