ખંભરામાં ગાળો આપવાની ના પાડતાં યુવાન પર છરી વડે ઘાતક હુમલો
અંજાર તાલુકાના ખંભરા ગામમાં ગાળો આપવાની ના પાડતાં એક શખ્સે છરી વડે યુવાન ઉપર હુમલો કર્યો હતો, જેમાં યુવાનને આંતરડામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. મળતી માહિતી મુજબ ખંભરામાં તળાવ શેરી ચામુંડા માતાના મંદિરની બાજુમાં રહેનાર ફરિયાદી ગત તા. 5/8ના રાત્રે સાડા આઠના અરસામાં ઘરે આવતાં ત્યાં ગામનો યુવાન ગાળાગાળી કરતો હતો, જેને ના પાડતાં આ શખ્સે ફરિયાદીને ગાળો આપી હતી. ફરિયાદીએ તેને બે લાફા ઝીંકી દેતાં ઉશ્કેરાયેલા આરોપીએ છરી કાઢી આ યુવાનના પેટમાં મારી હતી, જેમાં તેને આંતરડામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘવાયેલા યુવાનને પ્રથમ અંજાર બાદમાં વધુ સારવાર અર્થે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ લઇ જવાયો હતો. બપોરે આ આરોપીએ ફરિયાદીના ભાઇ પાસે આવી રૂપિયાની માગણી કરી હતી, જેની ના પાડતાં તેની સાથે પણ આરોપીએ ઝઘડો કર્યો હતો. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.