કંડલાના 3 કરોડના ખજુર પ્રકરણે ગાંધીધામના વેપારીની ધરપકડ

કંડલા બંદર પરથી પાકિસ્તાની મૂળની ત્રણ કરોડના ખજુર પ્રકરણમાં દિલ્હીની કંપનીનું નામ બહાર આવ્યાબાદ એજન્સીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં આ કંપની ફરજી હોવાનું અને ગાંધીધાઉમનાં જ વેપારીએ જ આ માલ મંગાવ્યો હોવાનું સામે આવતા તેની અટક કરી કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરાયો હતો. મળતી માહિતી મુજબ કંડલા બંદર પરથી સ્થાનિક ડી.આર.આઈ.એ. 13 કન્ટેઈનર અટકાવી તેમાંથી 3 કરોડની કિંમતના 364 મેટ્રોન ટન ખજુર કબજે કર્યા હતા. ભારતના સંપૂર્ણ પ્રતીબંધને ટાળીને ત્રીજા દેશ મારફતે ખજુર ઘુસાડવાના મોટા પ્રકરણમાં આ માલ દિલ્હીની એક પાર્ટીએ મંગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. એજન્સીએ તપાસ કરતા દિલ્હીની શિવઓમ ઈમ્પેક્ષ નામ હોવાનું બહાર આવ્યું હોવાનું જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. દિલ્હીની આ કંપનીની તપાસ કરાતા આવી કોઈ કંપની જ નહોવાનું સામે આવ્યું હતું તેમજ ગાંધીધામના વેપારીએ આ પાકિસ્તાની મૂળની ખજુર મંગાવી હોવાનું બહાર આવતા એજન્સીએ આ વેપારીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. આ વેપારીની પૂછપરછ બાદ તેને ગાંધીધામની કોર્ટમાં રજૂ કરાયા બાદ આ વેપારીને જેલ હવાલે કરાયા હોવાનું સામે આવ્યું હતું. શહેરના અગ્રણી વેપારીની આ પાકિસ્તાની મૂળની ખજુરના પ્રકરણમાં સંડોવણી બહાર આવતા ભારે ચકચાર પ્રસરી છે.