યોગીના ગઢમાં આનંદી બહેને સરકારની પોલ ખોલી, કહ્યું- અહીં અનેક ખામીઓ છે

image

 દીનદયાળ ઉપાધ્યાય ગોરખપુર યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આનંદીબેન પટેલે મુખ્યમંત્રીના જ ગૃહનગર ગોરખપુરની વ્યવસ્થાઓ પર સવાલો ઉઠાવતાં તંત્ર સામે લાલઆંખ કરી છે. તેમણે ખુલ્લેઆમ કહ્યું કે, જો સીએમ સિટીમાં જ આવી કમી રહેશે, તો અન્ય જગ્યાઓની શું સ્થિતિ હશે.  મહતી અનુસાર રાજ્યપાલે પોતાના સંબોધનમાં વીજળી, પાણી, પંખાની અછત, ગંદકી તેમજ યુવા પેઢીમાં વધી રહેલા ડ્રગ્સ અને દારૂનાં દૂષણ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, હોસ્ટેલ અને શૈક્ષણિક પરિસરમાં રહેલી આ મૂળભૂત સમસ્યાઓ તંત્રની બેદરકારી દર્શાવે છે. તેમણે સ્પષ્ટપણે જણાવતા કહ્યું કે, વિદ્યાર્થીઓના ઉત્તમ ભવિષ્ય માટે ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે શુદ્ધ અને પૌષ્ટિક આહાર પણ એટલો જ મહત્ત્વનો છે. તેમણે ખાસ કરીને બોયઝ હોસ્ટેલમાં બહારથી ટિફિન મગાવવાની પ્રથા સામે સખત સવાલો ઉઠાવ્યા હતા અને આ ટિફિન વ્યવસ્થા તાત્કાલિક ધોરણે બંધ કરાવવા કડક આદેશ આપ્યો હતો, કારણ કે અશુદ્ધ ભોજનથી વિદ્યાર્થીઓનો માનસિક વિકાસ પ્રભાવિત થાય છે. કુલાધિપતિએ દીક્ષા સમારોહ પહેલાં હોસ્ટેલના રસોડાંની રૂબરૂ મુલાકાત લીધી હતી અને ભોજન બનવાની સમગ્ર વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ખાદ્ય સામગ્રીના ડબ્બા ખોલાવીને ચકાસણી કરી હતી તથા વપરાતા ખાદ્યતેલ વિશે માહિતી મેળવી હતી. સેમ્પલ બદલવાની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તેમણે તેલના બે નમૂના લીધા હતા, જેમાંથી એકની સ્થાનિક સ્તરે અને બીજાની લખનઉમાં સ્વતંત્ર તપાસ કરાવવાનો આદેશ આપ્યો છે, જેથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડાં ન થાય.