પાકિસ્તાન-સાઉદી-તુર્કી વચ્ચે સંરક્ષણ સોદો

image

પાકિસ્તાન,સાઉદી અરેબિયા અને તુર્કીએ `મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર’ પર હસ્તાક્ષર કર્યા હતા.આ પગલું પ્રદેશમાં વધતા તણાવ અને યુદ્ધો વચ્ચે આવ્યું છે.  કરાર બાદ ત્રણે દેશમાંથી કોઈ પર પણ હુમલા થાય, તો તે બધા પર હુમલો માનવામાં આવશે. ત્રણેય દેશ વચ્ચેના સંરક્ષણ સહયોગ અંગે, વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, ભારત તેનું નજીકથી નિરીક્ષણ કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ,`આ એક ઘટનાક્રમ છે, જેનું અમે નજીકથી નિરીક્ષણ કરી રહ્યા છીએ.’ સાઉદી અરેબિયા, તુર્કી અને પાકિસ્તાન વચ્ચેના સંયુક્ત સંરક્ષણ કરારનો હેતુ યુએસ-ઈરાન સંઘર્ષ પછી પ્રાદેશિક સુરક્ષા સંબંધોને મજબૂત બનાવવાનો છે. પાકિસ્તાને કહ્યું હતું કે, આ સંરક્ષણ સોદો ખાડીમાં વધતા તણાવ વચ્ચે થયો છે,પરંતુ તેનું મહત્ત્વ તેનાથી વધારે વધે છે.ત્રણેય દેશ વચ્ચે સંભવિત વ્યૂહાત્મક જોડાણ અંગે મહિનાઓથી અટકળો ચાલી રહી હતી. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, આ સોદા હેઠળ, ત્રણેય દેશોમાંથી કોઈ પણ એક પર કોઈ પણ સશસ્ત્ર હુમલો તે બધા પર હુમલો માનવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સોમાલિયા અને પાકિસ્તાને ઓગસ્ટ 2026માં ઇસ્લામાબાદમાં એક મહત્ત્વપૂર્ણ સંરક્ષણ સહયોગ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર આતંકવાદ વિરોધી કામગીરી, લશ્કરી તાલીમ, સંરક્ષણ સાધનોનું ઉત્પાદન અને દરિયાઈ સુરક્ષાનાં ક્ષેત્રોમાં સંબંધોને મજબૂત બનાવશે. આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, `અમે સોમાલિયા અને પાકિસ્તાન વચ્ચેની ગતિવિધિઓ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ.’ આ જોડાણમાં ત્રણેય દેશની પોતપોતાની શક્તિનો સમાવેશ થાય છે. પાકિસ્તાન તેની સેના અને શસ્ત્રો ઉત્પાદનની ક્ષમતાઓ આપે છે. તુર્કી બીજા ક્રમનું સૌથી મોટું નાટો સૈન્ય ધરાવે છે, જ્યારે સાઉદી અરેબિયા તેના નાણાંકીય સંસાધનો અને વ્યૂહાત્મક પ્રભાવનું યોગદાન આપશે. પાકિસ્તાને તાજેતરના મહિનાઓમાં સાઉદી અરેબિયામાં તેની લશ્કરી હાજરીમાં નોંધપાત્ર વધારો કર્યો છે, હજારો સૈનિક, અસંખ્ય ફાઇટર જેટ, ડ્રોન અને હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ તૈનાત કર્યા છે. પાકિસ્તાન અન્ય ગલ્ફ દેશો સાથે પણ તેના સુરક્ષા સંબંધોને મજબૂત બનાવી રહ્યું છે. આ સંદર્ભમાં, પાકિસ્તાન કુવૈત સાથે ઊર્જા સહયોગ અને રોકાણ સહિત એક મુખ્ય સંરક્ષણ કરાર પર વાટાઘાટો કરી રહ્યું છે.