ચીનની ચાલબાજી સામે ભારતનો સજ્જડ જવાબ,ઓફિશિયલ મેપમાં અરુણાચલની 27 જગ્યાના નામ સામેલ

image

ભારતે ચીનની ચાલબાજીઓ સામે કડક વલણ અપનાવતા એક મોટો નિર્ણય લીધો છે. ચીન દ્વારા અરુણાચલપ્રદેશનાં સ્થળોનાં નામો વારંવાર બદલવાના પ્રયાસો સામે ભારતે રાજ્યના 27 સ્થળ અને તેમની ભૌગોલિક વિશેષતાઓને ભારતના સત્તાવાર નકશામાં માનક નામો સાથે સામેલ કરી દીધા છે. ભારતીય સર્વેક્ષણ વિભાગ  દ્વારા લેવાયેલાં આ આકરા પગલાંનો મુખ્ય ઉદ્દેશ આ વિસ્તારોની ચોક્કસ ઓળખ જાળવી રાખવો અને લોકોમાં સ્પષ્ટ જાગરુકતા ઊભી કરવાનો છે, જેથી ચીનના દાવાઓ સામે ભારતનો સત્તાવાર પક્ષ વધુ મજબૂત બને. અરુણાચલપ્રદેશમાં સ્થળોનાં નામ બદલવાની ચીનની ચાલાકીઓને ભારતે હંમેશાં સખત શબ્દોમાં ફગાવી દીધી છે. ભારતે ચીનનાં આ પગલાંને સંપૂર્ણપણે નકામા ગણાવતાં સ્પષ્ટ જણાવ્યું છે કે,આવી અટકળોથી એ અટલ સત્ય ક્યારેય બદલાશે નહીં કે અરુણાચલપ્રદેશ ભારતનું અવિભાજ્ય અંગ હતું, છે અને રહેશે. ચીનનું નાગરિક મંત્રાલય અરુણાચલપ્રદેશને `ઝાંગનાન’ કહીને પોતાનાં કાલ્પનિક નામો આપવાનો પ્રયાસ કરતું રહે છે. તેણે 2017માં છ સ્થળ,  2021 માં 15 સ્થળ અને 2023માં અન્ય 11 સ્થળનાં નામ બદલવાની યાદીઓ પણ જાહેર કરી હતી. જો કે, ભારતનું સ્પષ્ટ માનવું છે કે, ચીન દ્વારા ઘડવામાં આવતા આવા ખોટા વિવાદોથી બંને દેશ વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવાની કોશિશો પર માઠી અસર પડે છે. ભારતના સત્તાવાર નકશામાં સામેલ કરાયેલાં 27 સ્થળમાં લાઈન ઓફ કંટ્રોલ (કઅઈ) પાસે આવેલું `લોંગ જૂ’ પણ સામેલ છે. આ એ જ ક્ષેત્ર છે જ્યાં 1959માં ભારત અને ચીન વચ્ચે શરૂઆતી ઘર્ષણ થવાની ઘટના બની હતી, જ્યારે ચીની સેનાએ આ વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો. અપર સુબનસિરી જિલ્લામાં લોંગ જૂ પાસે આવેલું માજા ગામ પણ મેપમાં માર્ક કરાયું છે. આ યાદીમાં બિસા ગામ ઉપરાંત રણનીતિક રીતે ખૂબ જ મહત્ત્વપૂર્ણ પર્વતીય પાસ ડ્જો લા, રિજા લા, પુકુર લા અને થાગ લાને પણ સામેલ કરવામાં આવ્યા છે. થાગ લા એ જ ક્ષેત્ર છે જ્યાં વર્ષ 1962નાં યુદ્ધની શરૂઆતી લડાઈ થઈ હતી. આ યાદીમાં ચાંગલાંગ જિલ્લાના મહત્ત્વના લોજિસ્ટિક્સ સેન્ટર જયરામપુરનો પણ સમાવેશ થાય છે, જેને પૂર્વ સીમા ક્ષેત્રનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે. તે સુરક્ષા દળોની અવરજવરમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.