વડોદરા રેન્કિંગ ટીટીમાં આકરી સ્પર્ધા થશે, સૌની નજર જન્મેજય પર, પ્રથા પણ ફેવરિટ

Preview

ગાંધીધામ, 10 ઓગસ્ટઃવર્તમાન સિઝનની પ્રથમ ત્રણ સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં અલગ અલગ વિજેતા સામે આવ્યા બાદ વડોદરાના સમામ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે 11થી 14મી ઓગસ્ટ દરમિયાન યોજાનારી યુટીટી ચોથી સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં મેન્સ કેટેગરીમાં ટાઇટ માટેની સ્પર્ધા વધુ તીવ્ર બને તેવી સંભાવના છે.

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ બરોડના ઉપક્રમે યોજાઈ રહેલી ચાર દિવસની આ ટુર્નામેન્ટના ટાઇટલ સ્પોન્સર અલ્ટિમેટ છે અને આઇઓસીએલ, GAIL અને શૈલી એન્જિનિયરિંગ પ્લાલ્ટિક્સ લિમિટેડ તેના એસોસિયેટસ પાર્ટનર રહેશે. સ્ટિગા તેના ઇક્વિપમેન્ટ પાર્ટનર અને વીએસપીએફ તેના વેન્યૂ પાર્ટનર છે. આ ટુર્નામેન્ટ માટે 776 એન્ટ્રી મળી છે જેમાં કુલ મળીને 2.90 લાખના પુરસ્કાર અને વિજેતાઓને ગિફ્ટ અપાશે.

પુરુષ વિભાગમાં પ્રથમ ત્રણ રેન્કિંગ ટુર્નામેન્ટમાં અલગ-અલગ વિજેતાઓ જોવા મળ્યા છે જેમાં નુતાંશુ દયામા, અભિલાષ રાવલ અને જન્મેજય પટેલનો સમાવેશ થાય છે. જ્યારે મહિલાઓની સ્પર્ધા પર બે ખેલાડીઓનું વર્ચસ્વ રહ્યું છે. અમદાવાદની પ્રથા પવારે ત્રણમાંથી બે રેન્કિંગ ટાઇટલ જીત્યા છે જ્યારે સુરતની આફરિન મુરાદે અન્ય એક ટાઇટલ પોતાના નામે કર્યું હતું. આ સાથે જ વડોદરામાં આ બે અગ્રણી દાવેદારો વચ્ચે વધુ એક રોમાંચક મુકાબલો જોવા મળી શકે છે.

અરાવલ્લીના યુવાન ખેલાડી જન્મેજય જામનગરમાં યોજાયેલી અગાઉની ટુર્નામેન્ટમાં મેન્સ અને અંડર-19 બોયઝ ટાઇટલ જીતીને સૌથી મોટા સ્ટાર તરીકે ઉભરી આવ્યો હતો. તે પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવાનો પ્રયાસ કરશે. જોકે મેન્સ કેટેગરીના તાજ માટેની આ લડતમાં તેને નુતાંશુ, જયનિલ અને અભિલાષ તરફથી આકરી સ્પર્ધાનો સામનો કરવો પડશે.

વિમેન્સ ડ્રોમાં  પ્રથા, આફરિન અને જામનગરની રિયા જયસ્વાલ મહિલા વિભાગના પડકારનું નેતૃત્વ કરશે.

સ્થાનિક ખેલાડી જલય મહેતા અને પ્રથમ માદલાણી ઘરઆંગણાના ફાયદાનો મહત્તમ લાભ ઉઠાવીને અનુભવી ખેલાડીઓને પડકાર ફેંકવાનો પ્રયાસ કરશે. આ ઉપરાંત વેદ પંચાલ, મહેક સેઠ અને કૃષ્ણા પટેલ પણ એવા સ્થાનિક ખેલાડીઓમાં સામેલ હશે જેઓ પોતાની છાપ છોડવાની આશા રાખી રહ્યા છે.

આયોજન સચિવ કલપેશ ઠક્કરે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાંથી આવેલા ખેલાડીઓ વડોદરામાં ટેબલ ટેનિસના ચાર દિવસ આરામદાયક અને યાદગાર બનાવી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

“તમામ ખેલાડીઓને વિના મૂલ્યે ભોજન પૂરું પાડવામાં આવશે, જ્યારે સ્પર્ધા દરમિયાન તાજું લીંબુ પાણી અને ફળો ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત અમારા રાજ્યના ટેબલ ટેનિસ ખેલાડીઓને શક્ય તમામ રીતે પ્રોત્સાહિત કરવા માટે અમે વિજેતાઓ માટે ખાસ ભેટ-સોગાદોનું પણ આયોજન કર્યું છે,” તેમ તેમણે જણાવ્યું હતું.