ચાણક્ય એકેડમી, ભુજ ખાતે ૮૦ માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને દેશભક્તિસભર ઉજવણી સંપન્ન

ચાણક્ય એકેડમી, ભુજ ખાતે ૧૫મી ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વની ખૂબ જ હર્ષોલ્લાસ અને રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે શાળાના પટાંગણમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ આકર્ષક અને દેશભક્તિથી સભર કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.
આ ગૌરવવંતા કાર્યક્રમની શરૂઆતમાં “વંદે માતરમ્” નું ગાન કરવામાં આવ્યું. પ્રાથમિક શિક્ષણ વિભાગના આચાર્યા શ્રીમતી રોશની વસા ઠક્કરના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જેમની સાથે અતિથિ વિશેષ તરીકે ચાણક્યના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડોક્ટર કુંદ મહેતા (MS Ortho) એ હાજરી આપી હતી.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાની અદભુત કલા અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. કે.જી. (KG) ના નાના ભૂલકાંઓ દ્વારા મનમોહક ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો. શાળાના હેડ બોય અને હેડ ગર્લ દ્વારા રાષ્ટ્રપ્રેમ જગાવતું પ્રેરણાદાયક વક્તવ્ય આપવામાં આવ્યું હતું. સ્વાસ્થ્ય અને ફિટનેસનો સંદેશ આપતા પ્રાથમિક અને માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ યોગના વિવિધ આસનોનું સુંદર અને લયબદ્ધ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત, વિદ્યાપીઠ ઇવેન્ટ અને વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ દિલધડક માર્શલ આર્ટ્સ પરફોર્મન્સે ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
કાર્યક્રમના અંતિમ ચરણમાં સંસ્થાના વાઇસ ચેરમેન સંદીપ દોશી સાહેબ દ્વારા પ્રાસંગિક વક્તવ્ય આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો જેનાથી સમગ્ર શાળા પરિસર દેશભક્તિના નાદથી ગુંજી ઉઠ્યું હતું. અંતમાં આભાર દર્શન સાથે આ ભવ્ય કાર્યક્રમની સફળતાપૂર્વક પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહી કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.