માંડવી બીચ પર સમુદ્રમાં નહાવા પડેલાં એક યુવતી અને બે યુવક ડુબી ગયાં હોવાનો બનાવ બહાર આવ્યો છે. ડૂબેલાં બે યુવકને સ્થાનિક લોકોએ સમુદ્રમાંથી બહાર કાઢી ભુજ જીકે જનરલ હોસ્પિટલે મોકલી આપ્યાં છે. જ્યારે, વીસેક વર્ષની યુવતીનો હજુ કોઈ અતોપત્તો મળ્યો નથી. પોલીસે આપેલી પ્રાથમિક માહિતી મુજબ ભોગ બનનારામાં બાગ ગામનાં 16 વર્ષિય અમેશ રમઝાન હિંગોરજા અને ભુજના રહીશ 26 વર્ષિય શબ્બિર ઈબ્રાહિમ નોડેનો સમાવેશ થાય છે. ઘટનાસ્થળે તપાસ માટે દોડી ગયેલાં માંડવીના હેડ કોન્સ્ટેબલ જશવંતભાઈએ જણાવ્યું કે બધા એક જ પરિવારના સગા-સંબંધી છે. બનાવ બપોરે ત્રણ-સાડા ત્રણના અરસામાં બન્યો હતો. વધુ સત્તાવાર વિગતોની રાહ જોવાય છે.