માંડવી તાલુકાના નાની ખાખર ગામે ગ્રેવિટા કંપનીને ગેરકાયદેસર બાંધકામ તાત્કાલિક બંધ કરવા ગ્રામ પંચાયતની નોટિસ

image

માંડવી: તાલુકાના નાની ખાખર ગામે આવેલ ગ્રેવિટા ઇન્ડિયા લિમિટેડ કંપનીને ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર બાંધકામ તાત્કાલિક અસરથી રોકી દેવા માટે સત્તાવાર નોટિસ આપવામાં આવી છે. નાની ખાખર ગ્રામ પંચાયતના સરપંચ જાડેજા પ્રેમસંગ જીલુભા દ્વારા કંપનીના મેનેજરને આ નોટિસ પાઠવવામાં આવી છે.

નોટિસમાં જણાવાયા અનુસાર, ગામના સર્વે નંબર – ૪૦૨ માં આવેલ કંપનીના એકમની બાંધકામ મંજૂરી તાજેતરમાં તા. ૧૧/૦૮/૨૦૨૬ ના રોજ મળેલી ગ્રામસભા દ્વારા ના-મંજૂર કરવામાં આવી છે. આથી, ગ્રામસભાના ઠરાવનું ચુસ્તપણે અમલીકરણ કરીને કંપનીએ બાંધકામ કાર્ય ત્વરિત ધોરણે બંધ કરી દેવાનું રહેશે. જો કંપની દ્વારા બાંધકામ અટકાવવામાં નહીં આવે, તો ગુજરાત પંચાયત અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ નોટિસ ગામની ન્યાય સમિતિના ચેરમેન નવીનચંદ્રભાઈ મહેશ્વરી તથા ગ્રામ રક્ષા સમિતિના સભ્યો દ્વારા કંપનીના મુખ્ય ગેટ પર ચોટાડવામાં આવી છે.

આ અંગે નાની ખાખર ગ્રામ રક્ષા અને વિકાસ સમિતિના પ્રમુખ મુકેશભાઈ મોથારીયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ગ્રામજનો અને પંચાયતના નિર્ણયનું અનાદર કરીને જો કંપની દ્વારા પંચાયતની નોટિસ નહીં માનવામાં આવે, તો આગામી સમયમાં કાયદાકીય  કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.