માંડવીમાં ધાર્મિક સ્થળો અંગે કાર્યવાહી સામે સર્વ સમાજ દ્વારા તંત્રને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ

image

તાલુકાના વિવિધ ધાર્મિક સ્થળો અંગે તંત્ર દ્વારા સર્વે હાથ ધરી દબાણ દૂર કરવાની કાર્યવાહી થવાની માહિતી સામે આવતા જ સ્થાનિક સર્વ સમાજમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ મુદ્દે સર્વ સમાજના પ્રતિનિધિઓ દ્વારા એકઠા થઈને તંત્ર સમક્ષ વિરોધ સહ યોગ્ય રજૂઆત કરવામાં આવી હતી.

સર્વ સમાજના અગ્રણીઓ દ્વારા માંડવીના તાલુકા વિકાસ અધિકારી (TDO) અને મામલતદારને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં સ્પષ્ટ માગ કરવામાં આવી હતી કે ધાર્મિક સ્થળો સંબંધિત કોઈપણ પ્રકારની કાર્યવાહી કરતા પહેલાં સ્થળ પરની યોગ્ય તપાસ કરવી અને સ્થાનિક પરિસ્થિતિ તથા શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં લેવી અનિવાર્ય છે. કોઈપણ ઉતાવળિયું પગલું ભરવાને બદલે સામાજિક સૌહાર્દ જળવાઈ રહે તે રીતે સંવેદનશીલતાથી આ બાબતનો ઉકેલ લાવવા રજૂઆત કરાઈ હતી.

આ પ્રસંગે સર્વ સમાજના અગ્રણીઓ, વિવિધ સમાજના પ્રતિનિધિઓ અને સ્થાનિક મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.