ગાંધીધામમાં ‘ઘર આપો’ની લડત વકરી: 45 દિવસથી ધરણા, હવે 29એ ભુજ તરફ હિજરત ની તૈયારી
બુલડોઝરથી ઘર તૂટતા બેઘર થયેલા પરિવારોનો ગુસ્સો હવે ફાટી નીકળ્યો છે. ગાંધીધામ મનપા દ્વારા કાર્યવાહી બાદ રસ્તા પર આવી ગયેલા ગરીબો છેલ્લા 45 દિવસથી મનપા કચેરી સામે મકાનની માંગ સાથે બેઠા છે.આ આંદોલનનું નેતૃત્વ બહુજન આર્મીના લખનભાઈ દુવા કરી રહ્યા છે. તેઓ કહે છે કે વહીવટી તંત્ર બિલકુલ સાંભળતું નથી એટલે જ મહિલાઓ-બાળકો સાથે લોકો ખુલ્લામાં રાતો વિતાવી રહ્યા છે.લખન દુવાનો આક્ષેપ છે કે આંદોલનને નબળું પાડવા માટે કેટલાક લોકો દ્વારા ધાક-ધમકી પણ આપવામાં આવી. તેમના કહેવા મુજબ કાયનાતબેન અંસારી ધરણા સ્થળે આવીને આંદોલનકારી બહેનોને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો.લખનભાઈએ એલાન આપ્યું છે કે જો 29 તારીખ સુધીમાં ‘ઘર આપો’નો કોઈ નક્કર નિર્ણય નહીં આવે તો બધા પીડિત પરિવારો સાથે પગપાળા ભુજ કલેક્ટર કચેરી તરફ જશે. તેમણે કહ્યું “અમે ભીખ નથી માંગતા, અમારો હક માંગીએ છીએ.”સાથે તેમણે ચેતવણી પણ આપી કે આંદોલન દરમિયાન જો કોઈને ઈજા પહોંચશે તો તેની જવાબદારી કાયનાતબેન અંસારી અને સ્થાનિક ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની રહેશે.હાલ તંત્ર, ધારાસભ્ય અને સાંસદની ચૂપકીદી સામે લોકોમાં ભારે રોષ છે. હવે 29મી પહેલા સરકાર કોઈ રસ્તો કાઢે છે કે નહીં તે જોવાનું રહ્યું.