સામખિયાળીમાં વકીલનાં ઘરમાંથી 5.64 લાખની ચોરી
copy image

તા. 20 : ભચાઉ તાલુકાના સામખિયાળીમાં વકીલના ઘરમાં ઘૂસી કબાટનું તાળું તોડયા વગર તસ્કરોએ રૂા. 5,64,435ના દાગીના, રોકડ રકમની તસ્કરી કરી હતી. આ અંગે મળતી માહિતી મુજબ સામખિયાળીના શાંતિધામ વિસ્તાર ગાયત્રી કોમ્પ્લેક્ષની સામે રહી ભચાઉમાં રેવેન્યૂ વકીલાતની પ્રેક્ટિસ કરતાએ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદી યુવાનના ઘરે કબાટમાં તેમના પત્ની,ભાભી, માતાના દાગીના રાખેલા હતા. ગત તા. 27/5ના તેમના પત્ની અંજાર ખાતે વાસ્તુ પ્રસંગમાં જતાં મંગલસૂત્ર કાઢીને પહેર્યું હતું. બાદમાં ત્યાંથી પરત આવી મંગળસૂત્ર કબાટમાં મૂકી ચાવી પોતાની પાસે રાખી હતી. ફરિયાદીના પત્નીએ તા. 18/6ના પિયર જવાનું હોતા કબાટ ખોલતાં તેમાંથી પાંચ દાગીના તથા રોકડ રકમ ગુમ જણાઈ હતી.ઘરના કે કોઈ અજાણ્યા શખ્સે કબાટ ખોલી તેમાંથી સાડા ત્રણ તોલાનો સોનાનો હાર, આઠ ગ્રામની સોનાની બુટી, દોઢ તોલાનું સોનાનું મંગળસૂત્ર, બે ગ્રામની સોનાની વીંટી, 100 ગ્રામનો ચાંદીનો કેડ ઝૂડો તથા રોકડ રૂા. 10,000 એમ કુલ રૂા. 5,64,435ની મતાની ચોરી કરી હતી. કબાટ તૂટેલું ન હોવાથી ફરિયાદી અને કુટુંબીજનોએ બે મહિના સુધી ચોરી કોણે કરી હશે તેની તપાસ કરી હતી, પરંતુ કોઈ જ પત્તો ન મળતાં અંતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.