સમગ્ર કચ્છ જિલ્લા હદમાં ચાઈનીઝ તુક્કલ/લેન્ટર્નના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પ્રતિબંધ

ચાયનીઝ તુક્કલ/લેન્ટર્ન તથા ચાયનીઝ માંજા, ગ્લાસ કોટેડ દોરી થ્રેડ, સિન્થેટીક કોટીંગ સાથેની પ્લાસ્ટિક દોરી, નાયલોન થ્રેડ દોરીના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ પર પ્રતિબંધ તથા તેની અમલવારી બાબતે સૂચનાઓ આપવામાં આવેલ છે તથા તહેવારો દરમિયાન તેની ખાસ અમલવારી બાબતે જાહેરનામા પ્રસિધ્ધ કરવાની કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ છે. પોલીસ અધિક્ષકશ્રી પૂર્વ કચ્છ-ગાંધીધામના તા.૦૨/૧૦/૨૦૨૬ વાળા પત્રથી જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત રજુ થયેલ છે. ઉકત વિગતે કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ચાયનીઝ તુક્કલ/લેન્ટર્ન તથા ચાયનીઝ માંજા, નિયત કરતા વધારે ગ્લાસ કોટેડ દોરી થ્રેડ, સિન્થેટીક કોટીંગ સાથેની પ્લાસ્ટિક દોરી, નાયલોન થ્રેડ દોરીના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ ઉપર નિયંત્રણ મુકવું જરૂરી જણાય છે.

કચ્છ-ભુજ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી પાર્થ કોટડીયા, દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની હદમાં ચાયનીઝ તુક્કલ/લેન્ટર્ન તથા ચાયનીઝ માંજા, નિયત કરતા વધારે ગ્લાસ કોટેડ દોરી થ્રેડ, સિન્થેટીક કોટીંગ સાથેની પ્લાસ્ટિક દોરી, નાયલોન થ્રેડ દોરીના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૨૧૫ ની આદેશાત્મક જોગવાઇઓ ધ્યાને લઇ આ જાહેરનામાનાં ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ગુના કામે આ જાહેરનામા હેઠળ તપાસ કરવાનાં, જાહેરનામાનાં પાલન કરાવવાનાં અને તપાસનાં અંતે ચાર્જશીટ રજુ કરવાના અધિકાર જિલ્લાનાં પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉપરનાં કર્મચારીઓને રહેશે.

આ જાહેરનામું તા.૦૨/૧૨/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.