ફટાકડા વેચાણના હંગામી લાયસન્સ મેળવવા માટે વિક્રેતાઓએ ભુજ(શહેર) મામલતદારશ્રીની કચેરીએ ૨૨ ઓક્ટોબર સુધીમાં અરજી કરવાની રહેશે
આગામી દિવાળી પર્વ-૨૦૨૬ દરમિયાન ભુજ શહેર અને તાલુકામાં એક્સપ્લોઝીવ રૂલ્સની જોગવાઈઓ મુજબ ફટાકડાના વેચાણ માટે હંગામી લાયસન્સ આપવાની પ્રક્રિયા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદારશ્રી ભુજ (શહેર) દ્વારા શરૂ કરવામાં આવી છે.
આ અન્વયે ભુજ શહેર અને તાલુકા હેઠળ આવતા વિસ્તારો (જેવા કે માધાપર, સુખપર, મિરજાપર અને ભુજ શહેર)માં ફટાકડાના વેચાણ માટે હંગામી લાયસન્સ મેળવવા ઇચ્છુક વિક્રેતાઓએ મામલતદાર કચેરી ભુજ (શહેર), તાલુકા સેવા સદન, મુન્દ્રા રોડ, મુ. ભુજ ખાતેથી નિયત અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે. અરજદારોએ ફોર્મની સાથે નિયત નમૂનાનું સોગંદનામું, નિયત સ્ક્રુટીની ફી અને લાયસન્સ ફીના ચલણ સહિતની ધોરણસરની અરજી જોડવાની રહેશે.
આ સંપૂર્ણ વિગતો સાથેની અરજી મામલતદાર કચેરી, ભુજ (શહેર) ખાતે આગામી તારીખ ૨૨/૧૦/૨૦૨૬ સુધીમાં કચેરીના કામકાજના સમય દરમિયાન જમા કરાવવાની રહેશે. નિયત તારીખ અને સમયમર્યાદા બાદ આવેલી અરજીઓને ધ્યાનમાં લેવામાં આવશે નહીં, જેની નોંધ લેવા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદારશ્રી ભુજ (શહેર)ની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.