ભદ્રેશ્વર, તા.૨૦: અનાદિકાળથી મનુષ્ય પોતાના જીવનમાં અખંડ આનંદ પ્રાપ્ત કરવા, જન્મ – મૃત્યુ, જરા તેમજ અનેક ઉપાધિઓમાંથી મુક્ત થવા, પરમ શાંતિની અનુભુતિ કરવા સદા શિવની અર્ચના – પુજા તેમજ ઉપાસના કરતો આવ્યો છે. સર્વે જગતમાં જ્ઞાનના પ્રકાશની અનુભુતી કરવાની શક્તિ શિવ ઉપાસનામાં રહેલી છે. સઘળા દેવો જેની ઉપાસના કરે છે એવા સ્વયંભુ તેજોમય શિવલીંગનું પ્રાગટ્ય અનેક જગ્યાએ થયું છે. એવા જ સ્વયંભુ પ્રાગટ્ય લિંગમાંનું એક સ્થાન છે ભદ્રેશ્વરના દરિયા કિનારે ચોખંડા કાંઠે આવેલ શ્રી નાળેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર.અનેક દંતકથાઓના કારણે પ્રસિદ્ધ એવા આ મંદિરમાં અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ અહીં આવીને નાળેશ્વર મહાદેવને અભિષેક કર્યો હતો તે કુંડ આજે પણ પાંડવકુંડ તરીકે ઓળખવામાં આવે છે. અહીં પાલી લિપિમાં લખાયેલા શિલાલેખો પણ સચવાયેલા જોવા મળે છે. જેમાં વિ.સ. ૧૭૩૪માં વીરસિંહ નામના શિવભક્તે અહીં કમળપૂજા કરી હોવાનું જાણવા મળે છે.સર્વે કામનાઓને સિદ્ધ કરનારા નાળેશ્વર મહાદેવ મંદિરે સમગ્ર શ્રાવણમાસ દરમિયાન શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળે છે. ખાસ કરીને સોમવારના દિવસે અહીં સવારથી જ રુદ્રી, વિવિધ પૂજા – અર્ચના શરૂ થઈ જાય છે.