કિશોરી મેળો તથા કિશોરાવસ્થા શિક્ષણ અને જાગૃતિ સેમીનાર

4 (8)

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને અંજાર એજ્યુકેશન સોસાયટીના સયુક્ત ઉપક્રમે રોજ એચ.બી.પલાણ હાઈસ્કૂલ આદિપુર ખાતે કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ કિશોરીઓમાં મેન્સ્ટ્રુઅલ હાઈજીન, શિક્ષણ, સુરક્ષા અને સશક્તિકરણ અંગે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટીશ્રી પ્રતિમાબેન વોરા ,કેમ્પસ ડાયરેક્ટર ડો શલ્પાબેન ભટ્ટ,વુમન સેલના ચેરમેન હેતલબેન ભટ્ટ , વુમન સેલના કો- ચેરમેન હેતલબેન દોશી, વુમન સેલના ફાઉન્ડર જિજ્ઞાશા રાવલ ,DHEWના મિશન કો- ઓર્ડિનેટરશ્રી ફોરમબેન વ્યાસ, સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલકશ્રી ખુશ્બુબેન કાતરીયા, તેમજ જેન્ડર નિષ્ણાંતશ્રી પૂજાબેન પરમાર અને શ્રી દિપ્તીબેન ઠક્કર, SFLશ્રી ક્રિષ્નાબેન ભુડિયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શાળાના કેમ્પસ ડાયરેક્ટર ડો શિલ્પાબેન ભટ્ટ દ્વારા કિશોરીઓને માસિક સ્વચ્છતા (Menstrual Hygiene) અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને માસિક દરમિયાનમેન્સ્ટ્રુઅલ પેડનો યોગ્ય ઉપયોગ, યોગ્ય નિકાલ, વ્યક્તિગત સ્વચ્છતા તથા જરૂરી કાળજી અંગે સમજ આપવામાં આવી હતી. તેમજ કિશોરીઓને માસિક દરમિયાન ઉપયોગમાં લેવાતા વિવિધ વિકલ્પો જેવા કે મેન્સ્ટ્રુઅલ કપ અને ટેમ્પોનના યોગ્ય અને સુરક્ષિત ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ દીકરીઓને પોતાના શરીર અને સ્વાસ્થ્ય અંગે પ્રાથમિક સમજ આપવામાં આવી હતી. DHEWના મિશન કો-ઓર્ડિનેટર શ્રી ફોરમબેન વ્યાસ દ્વારા આત્મવિશ્વાસ કેળવવા તેમજ શિક્ષણ સાથે સતત જોડાયેલા રહી પોતાના સપનાઓને સાકાર કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી અને સકારાત્મક અભિગમ કેળવવા જણાવ્યુ હતું. તેમજ 181 મહિલા અભયમ હેલ્પલાઇન, 112 જન રક્ષક, 1091 ચાઈલ્ડ હેલ્પલાઇન અંગે પણ કિશોરીઓને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં “બેટી બચાવો, બેટી પઢાવો” યોજના અંતર્ગત કિશોરીઓને “હાઇજીન કીટ”નું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કિશોરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કિશોરીઓમાં આરોગ્યપ્રદ જીવનશૈલી, માસિક સ્વચ્છતા, શિક્ષણ પ્રત્યે જાગૃતિ, આત્મવિશ્વાસ તથા ઉપલબ્ધ સરકારી સહાય અને સેવાઓ અંગેની માહિતી પહોંચાડવાનો હતો. કાર્યક્રમ દ્વારા કિશોરીઓને પોતાના આરોગ્ય પ્રત્યે જાગૃત
બની સ્વસ્થ અને સશક્ત જીવન તરફ આગળ વધવા માટે પ્રેરણા મળી હતી.