**કચ્છ જ્યોતિષ મંડળ દ્વારા શ્રી નિરંજન જોશી ‘ધરાદેવ’ને “કચ્છ જ્યોતિષ ગૌરવ સન્માન – ૨૦૨૬” એનાયત થશે*

કચ્છ જ્યોતિષ મંડળના ૪૫મા સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત મંડળ દ્વારા કચ્છના સુપ્રસિદ્ધ જ્યોતિર્વિદ, ખગોળવિદ્ અને સંશોધક શ્રી નિરંજન વ. જોશી “ધરાદેવ” ને પ્રતિષ્ઠિત **”કચ્છ જ્યોતિષ ગૌરવ સન્માન – ૨૦૨૬”** એનાયત કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે.
આ બાબતે મંડળના મંત્રી પ્રફુલભાઈ જોશીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે વેદોના ચક્ષુ સમાન દિવ્ય જ્યોતિષ શાસ્ત્રને વૈજ્ઞાનિક, વ્યવહારુ અને લોકોપયોગી બનાવવા માટે મૌલિક સંશોધન કે આગવું પ્રદાન આપનાર મૂળ કચ્છના જ્યોતિષીઓને સન્માનિત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં ‘રાજ જ્યોતિષી’નું પદ શોભાવનાર અને ચાર દાયકા સુધી દૈનિક અખબારમાં ‘આજનું પંચાંગ’ આપનાર શ્રી નિરંજનભાઈ વસંતલાલ જોશી “ધરાદેવ”નું નામ મંડળના પ્રમુખ શ્રી નરેન્દ્ર સાગર ગોર તરફથી રજૂ થતાં અને ઉપપ્રમુખ ગીરીશભાઈ ગોર તરફથી અનુમોદન મળતાં, તેમના જ્યોતિષ તથા ખગોળ શાસ્ત્રમાં આપેલા પ્રદાનની સમીક્ષા કર્યા બાદ આ સન્માન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
તા. ૬ સપ્ટેમ્બરને રવિવારે અરિહંત નગર ખાતે આવેલી યજ્ઞશાળા (સિદ્ધેશ્વર મહાદેવ મંદિર સામે) ખાતે સાંજે ૫.૦૦ કલાકે કચ્છ જ્યોતિષ ગૌરવ સન્માન સમારોહમાં જાણીતા ઉદ્યોગપતિ શ્રી અજિતભાઈ માનસત્તાની ઉપસ્થિતિમાં આ સન્માન એનાયત કરવામાં આવશે.
આ પ્રસંગે શ્રી ધરાદેવનું મૌલિક સંશોધન ‘વર્ષ રાશિ દશા પદ્ધતિ’ ઉપર વિશેષ વક્તવ્ય પણ રાખવામાં આવેલ છે, જેનો સર્વે જ્યોતિષ રસિકોને લાભ લેવા તથા વધુ માહિતી માટે ૯૪૨૮૨૨૦૪૭૨ પર સંપર્ક સાધવા મંત્રીશ્રીની યાદીમાં જણાવાયું છે.