અંજાર સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગાની પ્રેરક ઉપસ્થિતમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

1 (6)

  અંજારની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ (SDH) ખાતે રોટરી ક્લબ ઓફ અંજાર અને રોટરેક્ટ ક્લબ ઓફ અંજારના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે ૨૭૫ વૃક્ષોના વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. હોસ્પિટલ પરિસરને વધુ હરિયાળું બનાવવા અને સ્વચ્છ, સ્વસ્થ વાતાવરણનું નિર્માણ કરવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના ઉચ્ચ શિક્ષણ અને ટેક્નિકલ વિભાગના મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

        આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગાએ જણાવ્યું હતું કે, પર્યાવરણના સંરક્ષણ માટે વડાપ્રધાનશ્રી “એક પેડ માં કે” નામ અભિયાન હેઠળ નાગરિકોને વધુમાં વધુ વૃક્ષોના વાવેતર સાથે ઉછેર કરવા અનુરોધ કર્યો છે ત્યારે હોસ્પિટલ પરિસરમાં એકસાથે અસંખ્ય વૃક્ષોના વાવેતરથી સમગ્ર હોસ્પિટલનું વાતાવરણ વધુ સ્વચ્છ બનશે. તેમણે પર્યાવરણ સંરક્ષણમાં વૃક્ષોના મહત્વ પર ભાર મુકતા જણાવ્યું હતું કે, માત્ર વૃક્ષો વાવવાથી નહીં પરંતુ વાવેલા વૃક્ષોની નિયમિત માવજત અને જાળવણી કરવી પણ એટલી જ જરૂરી છે. આથી વાવેલા વૃક્ષોની યોગ્ય સંભાળ રાખી તેને ઉછેરવા માટે રાજ્યમંત્રીશ્રીએ સૌને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રીએ વૃક્ષોનું વાવેતર કરીને નાગરિકોને પણ પોતાના આસપાસના વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવા અનુરોધ કર્યો હતો.

        આ પ્રસંગે અંજાર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ખાંડેકા, મહંત શ્રી ત્રિકમદાસ મહારાજ, મહંતશ્રી કીર્તિદાસજી, તાલુકા હેલ્થ ઓફિસર ડો. અંજારિયા, SDH અંજારના અધિક્ષક ડો. રોબિનસિંહ રાઠોડ, રોટરી ક્લબ અંજારના મેહુલભાઈ વ્યાસ, સુનિલભાઈ જોબનપુત્રા,  નિધિબેન, સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, રોટરી તથા રોટરેક્ટ ક્લબના હોદ્દેદારો અને અંજાર શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

        કાર્યક્રમ થકી સમાજમાં વૃક્ષારોપણ, પર્યાવરણ જાળવણી અને સ્વચ્છ-હરિયાળા પરિસર અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે ઉપસ્થિત સૌએ વધુમાં વધુ વૃક્ષો વાવવા, વાવેલા વૃક્ષોની જાળવણી કરવા તથા આવનારી પેઢી માટે હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ ઊભું કરવા સહિયારા પ્રયાસો કરવાની અપીલ કરી હતી.