વરસાદ ખેંચાવાની સ્થિતિ વચ્ચે ખેડૂતોને આકસ્મિક પાક આયોજન અપનાવવા અપીલ

 કચ્છ જિલ્લામાં ચાલુ ખરીફ ઋતુ દરમિયાન વરસાદની અનિયમિતતા અને વરસાદ ખેંચાવાની સ્થિતિને ધ્યાને લેતાં ખેતી પાકોના ઉત્પાદન પર માઠી અસર ન થાય તેમજ ઉપલબ્ધ વરસાદી પાણીનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય તે માટે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને આકસ્મિક પાક આયોજન અંતર્ગત જરૂરી પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

        વરસાદ ખેંચાવાના કારણે ખેતી પાકોમાં ઉત્પાદન પર માઠી અસર ન થાય તે માટે જે ખેડૂતો પાસે પિયતની સુવિધા ઉપલબ્ધ હોય તેમણે પાકની કટોકટીની અવસ્થા જેવી કે વિકાસ અવસ્થા, વૃદ્ધિ અવસ્થા, ફૂલ અવસ્થા, સુયા બેસવાની અવસ્થા, ચાપવા બંધાવાની અવસ્થા, સિંગ બાંધાવાની તથા દાણા ભરાવાની અવસ્થાએ ક્યારામાં પિયત આપવાને બદલે આંતરપટે એટલે કે એકાંતર ચાસે પિયત આપવું. આ પદ્ધતિથી અંદાજે ૩૫ ટકા પિયત પાણીની બચત થઈ શકે છે. ડ્રીપ તથા ફુવારા પિયત પદ્ધતિ ઉપલબ્ધ હોય તો તેનો મહત્તમ ઉપયોગ કરવા પણ ખેડૂતોને જણાવાયું છે.

        કેશાકર્ષણથી જમીનમાં રહેલો ભેજ ઉડી ન જાય તે માટે લાંબા ગાળે વવાતા તથા હારબંધ વવાયેલા પાકોમાં આંતરખેડ કરવા ભલામણ કરવામાં આવી છે. જે પાકોમાં નિંદામણનો પ્રશ્ન હોય તે તમામ પાકોમાં સમયસર નિંદામણ કરી પાકને નિંદામણમુક્ત રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે, જેથી નિંદામણ દ્વારા જમીનનો ભેજ ઓછો ન થાય.

        જો એકમ વિસ્તારમાં છોડની સંખ્યા વધુ હોય તો જરૂરી અંતરે નિંદામણના અવશેષો, ખેતીનો કચરો તથા વિવિધ પાકોના બિનઉપયોગી ફોતરાને પાકની બે હાર વચ્ચે પાથરી મલ્ચિંગ કરવા પણ સૂચન કરવામાં આવ્યું છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાસાયણિક ખાતર ન આપવા તથા શક્ય અને જરૂરી હોય તો નેનો યુરિયા જેવા પ્રવાહી ખાતરનો પંપ દ્વારા છંટકાવ કરવા ભલામણ કરવામાં આવી છે.

        હાલમાં ખાસ કરીને કપાસના પાકમાં ચુસીયા જીવાતનો ઉપદ્રવ જોવા મળ્યો હોવાથી પાક ઉત્પાદન પર અસર ન થાય તે માટે સાંજના સમયે ભલામણ મુજબની પ્રવાહી પ્રાકૃતિક જંતુનાશક દવાઓ અથવા લીંબોળીના તેલનો છંટકાવ કરી જીવાતનું નિયંત્રણ કરવા ખેડૂતોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

        પાકને પાણીની નહીં પરંતુ ભેજની જરૂરિયાત હોય છે. તેથી ‘વધારે પાણી એટલે વધારે ઉત્પાદન’ એવી ગેરસમજ દૂર કરી ઉપલબ્ધ પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવો. વરસાદ ખેંચાવાના કારણે ખેતી પાકોને બચાવી ઉત્પાદન પર કોઈ માઠી અસર ન થાય તે માટે ઉપરોક્ત જરૂરી પગલાં લેવા.