કચ્છની જનતાએ સત્તા પક્ષાને ખોબલે ને ધોબે મત આપ્યા, હવે જનતાના હકના પાણી માટે સત્તાપક્ષના પ્રતિનિધિઓ અવાજ ક્યારે ઉઠાવશે?
રાપર વિધાનસભા મતવિસ્તાર હેઠળના સતત જાગૃત અને પ્રયત્નશીલ પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઈ આરેઠીયા એ ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાત વિધાનસભા ના વિપક્ષી નેતાશ્રી તુષારભાઈ ચૌધરી સહિત ઉચ્ચ કક્ષાએ રજુઆત કરતા જણાવ્યું કે કચ્છ જિલ્લો વર્ષોથી પાણીની અછત અને અપૂરતા વરસાદની ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે કચ્છના ખેડૂતો અને પશુપાલકો માટે નર્મદાનું પાણી જીવનરેખા સમાન છે. તેમ છતાં કચ્છના હિસ્સાનું નર્મદાનું પાણી પૂરતા પ્રમાણમાં અને સમયસર ઉપલબ્ધ ન થવું અત્યંત ગંભીર અને ચિંતાજનક બાબત છે.હાલમાં નર્મદા ડેમમાં પાણીની આવક વધેલી હોવા છતાં કચ્છ તરફ નર્મદાનું પાણી પહોંચાડવાની કામગીરીમાં જરૂરી ઝડપ જોવા મળતી નથી. બીજી તરફ કચ્છમાં ખેતી, પશુપાલન તથા પીવાના પાણીની જરૂરિયાત સતત વધી રહી છે. આવા સંજોગોમાં કચ્છના ખેડૂતોને તેમના હકના પાણી માટે રાહ જોવી પડે તે કોઈપણ રીતે યોગ્ય નથી.સત્તાપક્ષના પ્રતિનિધિઓ સામે જનતાનો સવાલ કચ્છની જનતાએ સત્તાપક્ષના ઉમેદવારોને ખોબલે ને ધોબે મત આપી વિધાનસભામાં મોકલ્યા છે, ત્યારે આજે જ્યારે કચ્છની જનતાને પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની સૌથી વધુ જરૂર છે, ત્યારે ખેડૂતો, પશુપાલકો અને સામાન્ય જનતાના મૂળભૂત પ્રશ્નો માટે સરકાર સમક્ષ અસરકારક અને આક્રમક રજૂઆત કેમ થતી નથી? ચૂંટણી વખતે જનતાના દરવાજે જઈ મત માંગવામાં આવે છે, પરંતુ ચૂંટણી પછી એ જ જનતાના પાણી, વીજળી, રોજગાર અને.ખેતીના પ્રશ્નો માટે સરકારના દરવાજે કોણ જાય છે? કચ્છની જનતાનો સવાલ સીધો છે કે જો સત્તાપક્ષના ધારાસભ્યો સરકારનો જ ભાગ છે, તો પછી કચ્છના ખેડૂતોને પોતાના હકનું નર્મદાનું પાણી મેળવવા માટે આટલી લાંબી રાહ શા માટે જોવી પડે છે? સત્તા મળે ત્યારે જનતાના પ્રતિનિધિ બનીને કામ કરવું જોઈએ, માત્ર સત્તાના પ્રતિનિધિ બનીને બેસી રહેવું નહીં. કચ્છના ખેડૂતો અને પશુપાલકોને હવે માત્ર આશ્વાસન નહીં,પરંતુ નક્કર નિર્ણય અને સમયમર્યાદામાં કામગીરી જોઈએ છે.
તેમજ (૧) કચ્છને તેના હકનું નર્મદાનું પાણી તાત્કાલિક અને પૂરતા પ્રમાણમાં ફાળવવામાં આવે.(૨) કચ્છ તરફ આવતી નર્મદા કેનાલ તથા પાઈપલાઈનની તમામ અધૂરી કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે. (૩) જ્યાં કેનાલનું પાણી પહોંચવાનું બાકી છે ત્યાં વૈકલ્પિક પાઈપલાઈન/વિતરણ વ્યવસ્થા દ્વારા તાત્કાલિક પાણી પહોંચાડવામાં આવે.(૪) ખેડૂતોના ઉભા પાકને ધ્યાનમાં રાખીને કૃષિ સિંચાઈ માટે નર્મદાનું પાણી પ્રાથમિકતાના ધોરણે છોડવામાં આવે.(૫) કચ્છના પશુપાલકો માટે તળાવો, ચેકડેમ અને પીવાના પાણીના સ્ત્રોતોમાં પાણી ભરાય તે માટે વિશેષ પાણી વ્યવસ્થા કરવામાં આવે.(૬)નર્મદા પાણી કચ્છ સુધી પહોંચાડવાના પ્રોજેક્ટમાં થયેલા વિલંબ અંગે જવાબદારી નક્કી કરવામાં આવે. (૭) કચ્છના તમામ તાલુકાઓમાં નર્મદા પાણીની ઉપલબ્ધતા અને વિતરણ અંગે જાહેર સમયપત્રક અને તાલુકાવાર કાર્યયોજના જાહેર કરવામાં આવે.(૮) કચ્છના ખેડૂતો અને પશુપાલકોના પ્રતિનિધિઓ સાથે તાત્કાલિક ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવે.(૯) કચ્છને નર્મદાનું પાણી ક્યારે મળશે તેની સ્પષ્ટ સમયમર્યાદા જાહેર કરવામાં આવે.
કચ્છના લોકો વર્ષોથી પાણીની સમસ્યા સહન કરી રહ્યા છે. પાણીના અભાવે ખેડૂતોના પાક અને પશુપાલકોના પશુધન પર સીધી અસર થાય છે. હવે જ્યારે નર્મદાનું પાણી ઉપલબ્ધ છે ત્યારે માત્ર વહીવટી વિલંબ, આયોજનની ખામી કે બેદરકારીના કારણે કચ્છના ખેડૂતોને પાણીથી વંચિત રાખવામાં આવે તે ક્યારેય સ્વીકાર્ય નથી.કચ્છની જનતાએ સત્તાપક્ષને બહુમતી આપી છે, હવે સત્તાપક્ષની જવાબદારી છે કે તે જનતાના મતનું ઋણ જનતાના પ્રશ્નો ઉકેલીને ચૂકવે.
આ બાબતને માત્ર સામાન્ય રજૂઆત તરીકે નહીં પરંતુ કચ્છના લાખો ખેડૂતો અને પશુપાલકોના જીવન-જીવિકાનો ગંભીર પ્રશ્ન ગણી તાત્કાલિક ઉચ્ચસ્તરીય હસ્તક્ષેપ કરવા સહીત કચ્છને નર્મદાનું પાણી ક્યારે મળશે તેની સ્પષ્ટ સમયમર્યાદા જાહેર કરી, નક્કી કરેલી સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા રાપર વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ રાજય સરકાર સમક્ષ ઉગ્ર માંગ કરી હતી.