બનાસકાંઠામાં હનીટ્રેપનો પર્દાફાશ… પત્રકારે પડાવ્યા પૈડા… શિક્ષક નીકળ્યો મુખ્ય સૂત્રધાર…

image

બનાસકાંઠા જિલ્લામાં હનીટ્રેપના એક ચકચારી બનાવનો લોકલ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. દાંતા પંથકની સરકારી શાળામાં ફરજ બજાવતા એક શિક્ષકને બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હનીટ્રેપ કરવામાં આવ્યો હતો. આ કેસમાં અગાઉ પાલનપુરની ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂકેલો સહશિક્ષક જ મુખ્ય સૂત્રધાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપીઓએ ફરિયાદી શિક્ષકને બાલારામ નજીકના જંગલ વિસ્તારમાં એક મહિલા સાથે મળવા લઈ જઈ સમગ્ર કાવતરું રચ્યું હતું. ત્યારબાદ અન્ય આરોપીઓ ત્યાં પહોંચી ફરિયાદી પર બળાત્કારનો ખોટો કેસ કરવાની ધમકી આપી ૫ લાખની ખંડણી માંગી હતી. શરૂઆતમાં રોકડ તથા ઓનલાઈન મળી કુલ રૂપિયા ૧ લાખ ૧૫ હજાર પડાવી લેવામાં આવ્યા હતા.
ત્યારબાદ પણ આરોપીઓ દ્વારા ફરિયાદીને સતત ધમકાવી વધુ પૈસાની માંગણી કરવામાં આવી હતી. આ દરમિયાન ‘GUJARAT EXCLUSIVE’ના પત્રકાર તરીકે ઓળખ આપનાર મુજાહીદખાન ઉર્ફે શફાજ મુસ્તુફાખાન તુંવર દ્વારા ફરિયાદીને એક ન્યૂઝ લિંક મોકલી ફરી રૂપિયા ૫ લાખની માંગણી કરવામાં આવી હતી. પૈસા નહીં આપે તો બળાત્કારનો કેસ કરાવી દેવા તેમજ સમાચાર ચલાવી સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપવામાં આવી હતી…

LCBની તપાસમાં મુખ્ય સૂત્રધાર સુધી પહોંચી પોલીસ ટીમ… ફરિયાદ બાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ફરિયાદી સાથે અગાઉ પાલનપુરની ખાનગી શાળામાં સાથે ફરજ બજાવનાર મહેબુબખાન ઈસબખાન બલોચ મુખ્યસૂત્રધાર હોવાનું સામે આવ્યું હતું. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી કરી અને હનીટ્રેપના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં… મહેબુબખાન ઈસબખાન બલોચ રહે. કરનાળા, તાલુકો વડગામ વાળો જે મુખ્ય સૂત્રધાર છે અને અગાઉનો સહશિક્ષક છે. સલીમખાન આજમખાન બલોચ, રહે. કરનાળા, તાલુકો વડગામ, હાલ જામપુરા, પાલનપુર વાળો… નરસિહભાઈ પોપટભાઈ રાવળ હાલ રહે. ભીલડી, તાલુકો ડીસા, મૂળ દિયોદર, તાલુકો દિયોદર વાળો આ ત્રણેય આરોપીઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી માટે પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
આરોપીઓમાં ત્રણ હજુ વોન્ટેડ છે. પોલીસની કાર્યવાહી બાદ આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. જેમાં મહિલા આરોપી આશા શર્મા રહે. પાલનપુર, શ્રવણભાઈ રાવળ ઈકો કારના ચાલક, મુજાહીદખાન ઉર્ફે શફાજ મુસ્તુફાખાન તુંવર
મૂળ રહે. ડભાડ, તાલુકો ખેરાલુ, જિલ્લો મહેસાણા વાળો અને હાલ રહે. સુખબાગ રોડ, પાલનપુર વાળો, GUJARAT EXCLUSIVEના પત્રકાર તરીકે ઓળખ આપનાર છે. હનીટ્રેપની મોડસ ઓપરેન્ડી પણ સામે આવી છે…
પોલીસ તપાસ મુજબ આરોપીઓ અગાઉથી કાવતરું રચી મહિલા આરોપી મારફતે મિત્રતા કેળવતા અને એકાંત સ્થળે મળવા બ લાવતા. ત્યારબાદ અન્ય આરોપીઓ ત્યાં પહોંચી બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી હનીટ્રેપ કરી પૈસા પડાવતા હોવાની મોડસ ઓપરેન્ડી સામે આવી છે. આ કેસમાં બે આરોપીઓનો અગાઉનો ગુનાહિત ઈતિહાસ પણ સામે આવ્યો છે… નરસિહભાઈ રાવળ સામે અગાઉ દિયોદર પોલીસ સ્ટેશનમાં મહિલા ભગાડી જવા સહિતનો ગુનો નોંધાયેલ છે. તેમજ છાપી પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૫માં હનીટ્રેપનો ગુનો નોંધાયેલ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. તો સલીમખાન બલોચ સામે ધાનેરા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૫માં હનીટ્રેપ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયેલ છે. આ બંને આરોપીઓ અગાઉ પણ આવા પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા હોવાની શક્યતાને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી પરીક્ષિતા રાઠોડ (IPS) તથા બનાસકાંઠા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબે (IPS)ની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.