રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત કચ્છ જિલ્લાની મહિલાઓ સ્વ-સહાય જૂથો થકી આત્મનિર્ભર બને તે માટે વહીવટી તંત્રની અપીલ
રાજ્ય સરકારના પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM) યોજના અંતર્ગત કચ્છ જિલ્લાના છેવાડાના ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓને આર્થિક તેમજ સામાજિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશથી મહિલા સ્વ-સહાય જૂથોની રચના કરવામાં આવી રહી છે. ગ્રામીણ નારીશક્તિ આર્થિક રીતે પગભર બની સ્વમાનભેર જીવન જીવી શકે તે માટે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ પ્રયાસો હાથ ધરાયા છે.
આ મિશન અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ સંગઠિત થયેલી મહિલાઓને સ્વરોજગાર મેળવવા અને ટકાઉ આજીવિકા ઊભી કરવા માટે વિવિધ સરકારી યોજનાઓના માધ્યમથી જરૂરી સહયોગ પૂરો પાડવામાં આવે છે. જેમાં બહેનોને તેમની રુચિ મુજબ વ્યવસાયિક કૌશલ્ય વર્ધન તાલીમ, બેંક લિંકેજ મારફતે નાણાકીય સહાય, ઉત્પાદિત ચીજવસ્તુઓ માટે માર્કેટિંગ પ્લેટફોર્મ, ઉદ્યોગ સાહસિકતા નોંધણી સહિતની તમામ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સરકારના આ સહયોગથી મહિલાઓ પોતાની પારિવારિક આવકમાં વધારો કરી આત્મનિર્ભર બની રહી છે તેમજ સમાજના વિકાસમાં સક્રિય ભાગીદાર તરીકે ઊભરી રહી છે.
કચ્છ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોની જે બહેનો સ્વ-સહાય જૂથમાં જોડાઈ પોતાની આજીવિકા શરૂ કરવા ઇચ્છુક હોય, તેમણે સંબંધિત ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટી-કમ-મંત્રીશ્રીનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. આ ઉપરાંત યોજનાકીય વિગતો, માર્ગદર્શન તેમજ ટેક્નિકલ સહાય મેળવવા માટે તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રી અથવા તાલુકા લાઇવલીહૂડ મેનેજરશ્રીનો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.
જિલ્લાની તમામ ગ્રામીણ મહિલાઓ આ કલ્યાણકારી અવસરનો મહત્તમ લાભ ઉઠાવે અને સંગઠિત થઈ સ્વ-સહાય જૂથો સાથે જોડાઈને આર્થિક સ્વાવલંબન, સ્વનિર્ભરતા તથા સર્વાંગી સશક્તિકરણ તરફ આગળ વધે તેમ જાહેર અનુરોધ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભુજ-કચ્છના નિયામકશ્રી દ્વારા કરવામાં આવ્યો છે.