જખૌ રોડ પરથી મળી આવેલ અજાણ્યા પુરુષની લાશના હત્યા કેસનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડતી જખૌ પોલીસ તથા SOG પશ્ચિમ કચ્છ ભુજ

પશ્ચિમ કચ્છ પોલીસ
ગત તા. ૦૫/૦૯/૨૦૨૬ના રોજ જખૌ ગામે ઓધવરામ ગેટ પાસે જખૌ-નલિયા રોડની બાજુમાં બાવળની ઝાડીમાંથી એક અજાણ્યા પુરુષની લાશ મળી આવેલ હતી. જે બાબતે જાણ થતા તુરંત જ બનાવવાળી જગ્યા પર જખૌ પોલીસ સ્ટેશનની ટીમ તથા SDPO શ્રી મનિષા દેસાઈ સાહેબનાઓ તપાસ સારુ પહોંચી ગયેલ અને આગળ ની ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ જેમાં પ્રાથમિક તબક્કે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવેલ. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ SDPO શ્રી દ્વારા ઘટનાની ગંભીરતા જોઈને જખૌ પી.એસ.આઇ.શ્રી. આર.જે.ગોહિલનાઓની ટીમની અલગ-અલગ ૩ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી: ૧. સીસીટીવી સર્વેલન્સ ટીમ ૨. જખૌ બંદર પર ગુમ થયેલ માછીમારોની વિગત મેળવતી ટીમ ૩. સ્થાનિકો અને માછીમારો વચ્ચેના તાજેતરના ઝઘડાઓના બનાવ અંગે ની તપાસ કરતી ટીમ. આ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી. દરમ્યાન મૃતકના પોસ્ટમોર્ટમમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ જણાઈ આવતા બનાવ હત્યાનો હોવાનું સામે આવેલ હતું.
આ બનાવ અંગે શ્રી ચિરાગ કોરડીયા સાહેબ‚ પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા આરોપીને ઝડપી પાડવા જરૂરી સૂચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવેલ હતું.
જે અનુસંધાને SOGના ASI જોરાવરસિંહ જાડેજાનાઓને મળેલ ગુપ્ત બાતમીના આધારે તપાસ કરતાં જખૌ બંદર ખાતે થયેલ બોલાચાલી અંગે મહત્વની કડી મળી આવેલ હતી. ફિશરીઝ ડિપાર્ટમેન્ટની ટોકન મેનેજમેન્ટ સિસ્ટમની મદદથી શંકાસ્પદ ઇસમ હાજી જુમા સિદ્દી, રહે. ગાંધીનગરી, ઓખા, દેવભૂમિ દ્વારકા અંગે માહિતી મેળવી સઘન તપાસ હાથ ધરવામાં આવેલ હતી. તપાસ દરમિયાન મૃતકની ઓળખ ઓસમાન ઉમર કેર. રહે. ગાંધીનગરી, ઓખા, દેવભૂમિ દ્વારકા તરીકે થયેલ હતી. શંકાસ્પદ ઇસમની પૂછપરછ દરમિયાન મૃતક સાથે ઝઘડો થતાં પથ્થર વડે તેના માથાના ભાગે હુમલો કરી તેનું મૃત્યુ નિપજાવ્યાની હકીકત સામે આવેલ હતી.
આમ, જખૌ પોલીસે SOGના સહયોગથી હત્યાના ગુનાનો ભેદ ઉકેલી મુખ્ય આરોપી હાજી જુમા સિદ્દીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં સફળતા મેળવી છે.