સુરતની શ્યામ સંગિની ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ: કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ
સુરત શહેરનાં સારોલી વિસ્તારમાં આવેલી જાણીતી શ્યામ સંગિની ટેક્સટાઇલ માર્કેટમાં ગત મધરાત્રે આશરે ૧૨:૩૦ વાગ્યાનાં સુમારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ટેક્સટાઇલ માર્કેટમાં મોટા પ્રમાણમાં કાપડ અને જ્વલનશીલ સામગ્રી હોવાને કારણે આગે થોડી જ ક્ષણોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આસપાસનાં વિસ્તારમાં ભારે નાસભાગ અને ભયનો માહોલ સર્જાઈ ગયો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે ઇમરજન્સી રિસ્પોન્સ શરૂ કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની ૧૫ થી ૨૦ જેટલી ગાડીઓ કાફલા સાથે તાત્કાલિક પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધનાં ધોરણે કામગીરી શરૂ કરી હતી. માર્કેટની અંદર ધુમાડાનાં ગોટેગોટા છવાઈ જવાથી ફાયર જવાનોને આગ બુઝાવવાની કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
ફાયર વિભાગનાં જવાનો અને અધિકારીઓની સતત અને ભારે જહેમત બાદ આખરે સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી શકી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ માર્કેટમાં આવેલી અનેક દુકાનોમાં રહેલો કરોડો રૂપિયાનો કાપડનો જથ્થો અને માલસામાન બળીને ખાખ થઈ ગયો હોવાનું પ્રાથમિક અનુમાન છે.
આગની આ દુર્ઘટના બાદ વહીવટી તંત્ર અને ફાયર વિભાગ દ્વારા આગ લાગવાનાં ચોક્કસ કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ નાં કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ ફોરેન્સિક ટીમ અને નિષ્ણાંતોની તપાસ બાદ જ અકસ્માત પાછળનું સાચું કારણ બહાર આવશે.