વિશ્વ પર્યાવરણ દિને નડિયાદ માહિતી ભવન ખાતે રાજ્યનું પ્રથમ ‘પત્રકાર વન’ નડિયાદમાં ખૂલ્યું મુકાયું હોવાની જાણકારીથી પ્રસન્નતા થઈ.

image

પ્રકૃતિનું સંરક્ષણ અને સંવર્ધન આજના સમયની જરૂરિયાત છે. આદિકાળથી આપણી સંસ્કૃતિમાં પર્યાવરણના જતનની વાત વણાયેલી છે. વૃક્ષો, નદીઓ વગેરેના પૂજનની આપણી સભ્યતા રહી છે. વૃક્ષો પર્યાવરણના ફેફસાં છે. વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઈડ શોષીને ઓક્સિજન આપવાનું ભગીરથ કાર્ય વૃક્ષો દ્વારા થતું રહે છે. પ્રવર્તમાન સમયમાં જ્યારે પર્યાવરણ શુદ્ધિ પાયાનો પ્રશ્ન બની રહી છે, ત્યારે વૃક્ષોનું બહુલ્ય આશાનું કિરણ બની રહે છે.

આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પર્યાવરણના સંરક્ષણના પ્રખર હિમાયતી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં તેઓએ ‘વન મહોત્સવ’ના કાર્યક્રમો કર્યા હતા. ગ્રીન એનર્જી ઉત્પાદન માટે ‘નવી સોલાર નીતિ-૨૦૦૯’ લાવી તેમણે સોલાર પાર્કના નિર્માણ કર્યા હતા. રૂફ ટોપ સોલારને પ્રોત્સાહન માટે તેઓ પ્રયાસરત રહ્યા છે. નાની-નાની બાબતોની કાળજી રાખીને પર્યાવરણના સંરક્ષણમાં કેવી રીતે યોગદાન આપી શકાય છે, તે જણાવતું પુસ્તક Convenient Action Gujarat’s Response to Challenges of Climate Change લખ્યું હતું. વર્તમાનમાં પણ ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત સમગ્ર દેશવાસીઓને પર્યાવરણના જતન સાથે જોડ્યા છે.

આ પરિપ્રેક્ષ્યમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ખેડા જિલ્લાની માહિતી કચેરી અને જિલ્લા વન વિભાગના સંયુક્ત ઉપક્રમે ‘એક પેડ મા કે નામ 3.0’ અંતર્ગત નડિયાદ માહિતી ભવન ખાતે રાજ્યના સહુ પ્રથમ પત્રકારનું લોકાર્પણ કરવામાં આવ્યું તે સર્વથા આવકાર્ય બાબત છે. રાજ્યના મંત્રીશ્રી, ઉચ્ચ પદાધિકારીઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને અગ્રણી પત્રકારો દ્વારા પત્રકાર વનમાં ૨૧૧ જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું, તે આનંદની વાત છે. પર્યાવરણના જતન અને સંવર્ધન માટે આ પ્રકારે આપેલ સંદેશ સ્તુત્ય કામગીરી છે.

મીડિયા લોકશાહીના ચોથા સ્તંભ સમાન છે. લોકો સુધી સમાચાર પહોંચાડવા ઉપરાંત લોકમતના ઘડતરનું ઉત્તમ કાર્ય મીડિયા દ્વારા થતું હોય છે. દક્ષિણ આફ્રિકામાં રંગભેદ વિરુદ્ધ અને ભારતમાં આઝાદી માટે મહાત્મા ગાંધીના સંઘર્ષમાં અખબારોએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

આ પરિપ્રેક્ષ્યમાં મીડિયા કર્મીઓને વૃક્ષારોપણ સાથે સાંકળીને લોકોને પર્યાવરણના સંરક્ષણ માટે જાગૃત કરવા ઉત્તમ સંદેશ અપાયો છે, જે સરાહનીય છે.

આ જ પ્રકારે રચનાત્મક પ્રવૃત્તિઓના આયોજન થકી લોકોને આવા ઉમદા કાર્યોમાં જોડતાં રહો એ જ અભ્યર્થના સહ પ્રગતિના પંથે પ્રયાણ કરતાં રહો એવી અંતરતમ્ શુભકામનાઓ પાઠવું છું