વરસાદ રિસાયો, ધરતી તરસી: સાબરકાંઠામાં 2.25 લાખ હેક્ટરનો પાક મોતના મોઢા પર, આકાશ ભણી તાકી રહેલા જગતના તાતની આંખમાં આંસુ!
જ્યાં સુધી મા મહેરબાન હોય ત્યાં સુધી દીકરો ધરાઈને ખાય, પણ જ્યારે કુદરત જ મોં ફેરવી લે ત્યારે જગતનો તાત ભૂખે મરવાની અણી પર આવી જાય છે. આજે એ જ દર્દનાક દ્રશ્ય સાબરકાંઠા જિલ્લામાં જોવા મળી રહ્યું છે.
વરસાદે ખેંચાતા હવે સમગ્ર વિસ્તારમાં દુષ્કાળના એંધાણ વર્તાઈ રહ્યા છે. કાળી મજૂરી કરીને ઉભો કરેલો મોલ સુકાઈ રહ્યો છે, જે આ વાવડ થી છકાય છે – તિરાડો પડેલી જમીન, સુકાયેલો કપાસ, ખરેલી મગફળી અને માથે હાથ મૂકીને બેઠેલો ખેડૂત.
જાણકારી મુજબ જિલ્લામાં 2.25 લાખ હેક્ટરમાં વાવેતર કરાયેલો પાક હવે નિષ્ફળ જવાની આરે છે. જે ખેડૂતે પોતાના ખેતરને પોતાના સંતાનની જેમ સાચવ્યું, ખાતર, બિયારણ અને મજૂરી પાછળ લાખો રૂપિયાનું દેવું કર્યું, એ જ ખેડૂત આજે પોતાના ખેતરમાં ઉભા-ઉભા પોતાનું નસીબ રડી રહ્યો છે.
ખેત તલાવડીઓ તળિયા ઝાટક થઈ ગઈ છે, નહેરમાં પાણીના માત્ર ખાબોચિયા બચ્યા છે. જો 7 દિવસમાં મેઘરાજા મહેર નહીં કરે તો સાબરકાંઠાનો જગતનો તાત જે કદી કોઈની સામે હાથ લંબાવતો નથી, એને સરકાર સામે હાથ લંબાવીને દુષ્કાળ જાહેર કરવાની માંગ કરવાનો વારો આવશે.
આ માત્ર પાક નથી સુકાતો, આ એક પેઢીની મહેનત સુકાઈ રહી છે.