ભુજ, તા.૨૨: કચ્છના અંતરીયાળ વિસ્તારોમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા આર્શીવાદરૂપ સાબિત થઈ રહી છે. અંજાર તાલુકાના ધાણેટી ગામની મહિલાને પ્રસૂતિનું વેણ ઉપડતાં ૧૦૮ ને જાણ કરાઈ હતી. જેને પગલે દોડી આવેલ ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા પ્રસૂતા માતાને ભુજ ની અદાણી જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી. જોકે, રસ્તામાં પ્રસૂતા મહિલાની હાલત નાજુક થતાં સમય પારખીને ૧૦૮ ના એઇએમટી વિજય કામળીયા અને પાયલોટ શબ્બીર નારેજાએ એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવી હતી. દરમ્યાન આ મહિલાને ટ્વીન્સ બાળકો જન્મ્યા હતા જોકે, ડિલિવરી નોર્મલ થઈ હતી. બન્ને નવજાત બાળકો તેમ જ માતાને તુરત જ ભુજની અદાણી જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાવાયા હતા. અત્યારે બન્ને સ્વસ્થ છે. પ્રસૂતા મહિલાના પરિવારે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી છે.