કચ્છ જિલ્લામાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ૧૭ સપ્ટેમ્બરના ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ યોજાશે

સમગ્ર રાજ્યમાં યોજાઈ રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬’ અંતર્ગત કચ્છ જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના શ્રેણીબદ્ધ કાર્યક્રમો પૈકી તા. ૧૭/૦૯/૨૦૨૬, ગુરુવારના રોજ જિલ્લાના વિવિધ સ્થળોએ ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં હજારો નાગરિકો સહભાગી થઈને દીપ પ્રગટાવશે.

“સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત આશીર્વાદનો દીવડો કાર્યક્રમ ગ્રામ્યકક્ષાએ, તાલુકાકક્ષાએ, નગરપાલિકા તથા મહાનગરપાલિકાના મુખ્ય સ્થળો જેવા કે, અમૃત સરોવર, આવાસ યોજનાઓ, પંચાયત, મંદિરો, શાળા તથા આઇકોનિક સ્થળો ઉપરાંત રાજ્ય સરકારની વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓના આવાસ ખાતે દીપ પ્રગટાવી વડાપ્રધાનશ્રીના જન્મદિને શુભકામના વ્યકત કરાશે.

આશીર્વાદનો દીવડો કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લાની ૬૨૬ ગ્રામ પંચાયતોમાં જુદા-જુદા મંદિરોમાં, નવી બનેલી સરકારી કચેરીઓમાં, અમૃત સરોવરના કિનારા પર કે અન્ય જગ્યાઓ પર ૩,૪૪,૫૦૦  દીવડા પ્રગટાવવાનું આયોજન કરવામાં આવેલું છે. 

ભુજ તાલુકામાં ૬૧,૦૦૦ દીવડા જુદા જુદા સ્થળો પર પ્રગટાવવામાં આવશે, જેમાં ભુજ તાલુકાના લોડાઈ, આણંદસર અને કોટડા(ચકાર) ગામે મોટા કાર્યક્રમ કરવાનું આયોજન કરવામાં આવેલું છે. જ્યારે ભચાઉ તાલુકામાં ૧૫,૦૦૦ દીવડા સાથે વિવિધ જાહેરસ્થળો તથા તાલુકાના માનસ હનુમાન, કટારીયા ખાતે ૮૦૦૦ દીવડા પ્રગટાવવાનું આયોજન કરવામાં આવેલ છે. અબડાસા તાલુકામાં કુલ-૫૨,૦૦૦ દીવડા પ્રગટાવી વડાપ્રધાનશ્રીના જન્મદિને શુભકામના વ્યક્ત કરાશે. જ્યારે લખપત તાલુકામાં ૩૨,૦૦૦ દીવડા તથા ધાર્મિક સ્થળ માતાના મઢ ખાતે દીપ પ્રગટાવી મા આશાપુરા સમક્ષ વડપ્રધાનશ્રીના દીર્ઘાયુની પ્રાર્થના કરાશે. અંજાર તાલુકામાં ૫૬,૦૦૦ દીવડા તથા સતાપર ગામે ગોવર્ધન પર્વત ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. નખત્રાણા તાલુકામાં ૧૪,૫૦૦ દીવડા, રાપર તાલુકામાં ૪૫,૦૦૦ તથા ખાંડેક ગામે નર્મદા બ્રાંચ કેનાલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

માંડવી તાલુકામાં ૪૮,૦૦૦ દીવડા સાથે ગોધરા ખાતે અંબેધામ મંદિરમાં, ગઢશીશા ખાતે ચંદુમા સ્થાનકે અને મસ્કા ગામે શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરીયલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. મુન્દ્રા તાલુકામાં ૨૧,૦૦૦ દીવડા સાથે પ્રાગપર ખાતે આશાપુરા મંદિરમાં અને ભદ્રેશ્વર ખાતે હનુમાન મંદિરમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે.

  ઉપરાંત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) ના માર્ગદર્શન હેઠળ રિજનલ સાયન્સ સેન્ટર – ભુજ દ્વારા “નેશનલ સાયન્સ સેમિનાર ૨૦૨૬” (જિલ્લા કક્ષા) નું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ દ્વારા સાયન્સ પ્રોજેક્ટની પ્રસ્તુતિ કરવામાં આવશે. આ સાથે સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ રાપર અને ગાંધીધામમાં સવારે ૦૯:૦૦ થી બપોરે ૦૨:૦૦ વાગ્યા સુધી તેમજ પૂર્વાન્ચલ કંપની ભીમાસર ખાતે સવારે ૦૮:૦૦ થી બપોરે ૦૨:૦૦ વાગ્યા સુધી  બ્લડ ડોનેશન કેમ્પ, ભુજ ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા અંજાર ખાતે સ્વામિનારાયણ મંદિરમાં સાંજે ૦૫:૦૦ થી ૦૭:૦૦ વાગ્યા સુધી તેમજ મયુર બ્લડ સેન્ઠર માંડવી સંસ્થાની ખાતે બ્લડ ડોનેશન કેમ્પ સવારે ૦૯:૦૦ વાગ્યા થી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી, જીવન જ્યોત બ્લડ સેન્ટર ભુજ ખાતે ૦૯:૦૦ વાગ્યા થી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી, રાજાભાઇ પટેલ આઇ.એમ.એઇ. ગાંધીધામ ખાતે સવારે ૧૦:૦૦ વાગ્યા થી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. આ સાથે ઓર્ગન ડોનેશન અંગે જાગૃતિ લાવવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. 

આર.ટી.ઓ. ભુજ તથા અંજાર દ્વારા માર્ગ-સલામતી તેમજ રોડ સેફ્ટી બાબતે સેમિનાર તથા જાગૃતિ કાર્યક્રમો યોજાશે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્લાસ્ટિકનાં ઉપયોગમાં ઘટાડાના અનુસંધાને શાળા અને કોલેજમાં ઘનકચરાનાં સેગ્રીગેશન તથા પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગેના જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે. 

  કચ્છ જિલ્લામાં દરેક નગરપાલિકા તથા મહાનગરપાલિકા દ્વારા પણ આર્શિવાદના દીવડા કાર્યક્રમ અંતર્ગત ખાસ સ્મૃતિવન ભુજ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાશે. રાપર નગરપાલિકા દ્વારા વડાપ્રધાનશ્રીના જન્મદિવસે રાપર સરકારી હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ તથા નગાસર મંદિર પરિસર ખાતે સમૂહ દીપ પ્રગટાવવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે માંડવી પાલિકા દ્વારા ઘનશ્યામ ઘાટ ઉપરાંત વોર્ડદીઠ દીપ પ્રગટાવાશે. મુંદરા સુધરાઇ દ્વારા સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે  તેમજ વોર્ડદીઠ કાર્યક્રમ યોજાશે. 

  કચ્છની તમામ શાળાઓમાં બાળકોમાં સર્જનાત્મકતા, રાષ્ટ્રભાવના, કૌશલ્ય ખીલે તે હેતુથી ચિત્ર  સ્પર્ધા તથા વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે તે સાથે નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરી દ્વારા નશામુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમો યોજાશે. આયોજીત તમામ કાર્યક્રમોમાં સ્થાનિક પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ જોડાશે. ત્યારે મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી સેવા અને સહયોગ આપે તે માટે વહીવટીતંત્ર દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.