ગાંધીધામમાં “સેવા મેરા યોગદાન” અભિયાન અંતર્ગત વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજાયા

“સેવા મેરા યોગદાન” અભિયાન અંતર્ગત ગાંધીધામ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા રામબાગ જનરલ હોસ્પિટલ સહિત વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે જનકલ્યાણકારી આરોગ્ય સેવાઓ, રક્તદાન, રસીકરણ, ટીબી દર્દીઓ માટે પોષણ સહાય તેમજ આયુષ્માન કાર્ડ સહિતના વિવિધ કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
રામબાગ જનરલ હોસ્પિટલ ખાતે યોજાયેલા મેગા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું ઉદ્ઘાટન ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી, મેયરશ્રી દિવ્યાબેન નાથાણી, ડેપ્યુટી મેયરશ્રી નવીનભાઈ જરુ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી તેજશ શેઠ, કમિશનરશ્રી બી.ડી. દાવેરા, નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી સંજય રામાનુજ તથા ઉર્વીશ વાળંદ, સિવિલ સર્જન ડૉ. કિશોર રોય, કોર્પોરેશનના હેલ્થ ઓફિસર ડૉ. દિનેશ સુતરીયા, ડૉ. હરીશ મટાણી, મામલતદાર શ્રી જાવેદ સિંધિ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત વિવિધ સ્થળોએ યોજાયેલા રક્તદાન કેમ્પોમાં આરોગ્ય વિભાગના સ્ટાફ, મહાનગરપાલિકાના કર્મચારીઓ, સ્થાનિક કોર્પોરેટરો તથા નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિવિધ કેમ્પોમાં કુલ ૧૫૩ યુનિટ રક્તદાન થયું હતું. કાર્યક્રમ દરમિયાન ૨૦૦થી વધુ ઉપસ્થિત લોકોએ રક્તદાન તથા અંગદાન અંગે શપથ લઈ સમાજમાં સેવાભાવ અને માનવતાનો સંદેશ આપ્યો હતો.
ટીબી દર્દીઓને પોષણ સહાય-
“પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન” અંતર્ગત શ્રી અગ્રવાલ સમાજના સહયોગથી ગાંધીધામ વિસ્તારમાં ૧૦૦ ટીબી દર્દીઓને આગામી ૬ મહિના માટે ઉપયોગી પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટીબી દર્દીઓના પોષણમાં સહાયરૂપ બનવા તથા સારવાર દરમિયાન તેમની જરૂરીયાતોને સહારો આપવા માટે આ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી.
૪૫૩થી વધુ કિશોરીઓને HPV રસીકરણ –
ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણના હેતુથી ગાંધીધામ તાલુકાના વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે ૧૪થી ૧૫ વર્ષની વયની ૪૫૩થી વધુ કિશોરીઓને HPV રસી આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા કિશોરીઓ અને વાલીઓને HPV રસીકરણના મહત્વ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
આરોગ્ય તપાસ, સારવાર અને આયુષ્માન કાર્ડ-
અભિયાન અંતર્ગત વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે ૫૦૦થી વધુ નાગરિકોને જરૂરી આરોગ્ય તપાસ, સારવાર તથા તબીબી સલાહ આપવામાં આવી હતી. ઉપરાંત ૧૦૦થી વધુ જરૂરિયાતમંદ નાગરિકોના આયુષ્માન કાર્ડ સ્થળ પર જ બનાવી આપવામાં આવ્યા હતા.
“સેવા મેરા યોગદાન” અભિયાન હેઠળ યોજાયેલી આ વિવિધ આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓથી ગાંધીધામ વિસ્તારના અનેક નાગરિકોને સીધો આરોગ્યલક્ષી લાભ મળ્યો હતો. આરોગ્ય સેવાઓને લોકો સુધી વધુ સરળતાથી પહોંચાડવા સાથે સેવાભાવ, રક્તદાન, અંગદાન અને ટીબી મુક્તિના સંદેશને જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.