“સેવા મારું યોગદાન” અંતર્ગત માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ

માન.વડાપ્રધાનશ્રીના ૨૫ વર્ષના સેવા અને સુશાસન સંદર્ભે તા.૧૭/૦૯/૨૦૨૬ થી તા.૧૭/૧૦/૨૦૨૬ દરમિયાન ‘સેવા સંકલ્પ અભિયાન’ યોજાનાર છે. આ અભિયાનના આરંભ પ્રસંગે ‘સેવા મારું યોગદાન’ થીમ અંતર્ગત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, ભુજ-કચ્છ દ્વારા તા.૧૭/૦૯/૨૦૨૬ ના રોજ મુક્ત જીવન સ્વામીબાપા મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજ, ભુજ ખાતે માર્ગ સલામતી વિષયક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, શ્રી સી.આઈ.મહેરા, સહાયક મોટર વાહન નિરીક્ષકશ્રી અંકિત પટેલ તેમજ કોમર્સ કોલેજના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૧૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન આરટીઓ, ભુજના સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી દ્વારા વિદ્યાર્થીઓને જાહેર માર્ગો પર વાહન ચલાવતી વખતે રાખવાની થતી તકેદારીઓ અંગે તેમજ મોટર વાહન નિયમો અંગે માહિતગાર કર્યા હતા. વધુમાં માનનીય વડાપ્રધાનશ્રીના સુશાસન સંકલ્પ અંતર્ગત આરટીઓ કચેરી દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ ફેસલેસ તેમજ કોન્ટેક્ટલેસ સુવિધાઓ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.
જાહેરમાર્ગો પર સુરક્ષિત પરિવહન સુનિશ્ચિત થાય તથા ભાવી પેઢી સલામત ડ્રાઈવિંગ તેમજ માર્ગ સલામતી વિષયક વિવિધ યોજનાઓ જેવી કે, હીટ એન્ડ રન, PM રાહત યોજના, ગુડ સમેરીટન યોજના વગેરે વિશે પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશનના માધ્યમથી માર્ગદર્શન આપવામાં આવેલ.
કાર્યક્રમના અંતે સહાયક મોટર વાહન નિરીક્ષકશ્રી અંકિત પટેલ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને માર્ગ સુરક્ષા સંબંધિત પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી તેમજ પ્રશ્નોત્તરી સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ ટ્રાફિક સાઈન, લાયસન્સ પ્રક્રિયા અને માર્ગ સલામતી અંગેના વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા. વિદ્યાર્થીઓના ઉત્સાહ અને જીજ્ઞાસાને અધિકારીઓએ બિરદાવી સુરક્ષિત માર્ગ વ્યવહાર માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી.